સ્વાગત નહી કરોગે? ભૂ માફિયા જયેશ પટેલને ભારત સોંપી દેવામાં આવશે

0
1128

જામનગર: ગુનાખોરી અને વ્હાઈટ કોલર ગેંગ ઉભી કરી જામનગરમાં દહેશતનો માહોલ ઉભો કરનાર જયેશ પટેલને આખરે લંડનથી ભારત લઇ આવવાનો કાયદાકીય માર્ગ મોકળો થયો છે. પાંચ વર્ષ પૂર્વે વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી ભારત છોડી વિદેશ નાશી ગયેલ જયેશ લંડન પોલીસના હાથે પકડાઈ ગયા બાદ પોણા બે વર્ષ સુધી કાયદાકીય પ્રક્રિયા ચાલી હતી. આખરે જામનગર પોલીસની મહેનત રંગ લાવી છે અને લંડન કોર્ટે સતાવાર રીતે ચુકાદો આપી જયેશને ભારત સોંપવાનો નિર્ણય કર્યો છે. બંને દેશો વચ્ચેની ઓપચારિક કાયદાકીય વિધિ પૂર્ણ થઇ ગયા બાદ હવે ટૂંક સમયમાં જયેશ પટેલ જામનગર પોલીસ કસ્ટડીમાં હશે.

વર્ષ ૨૦૧૦થી ૨૦૨૦ સુધીના દાયકામાં અનેક જમીન કૌભાંડ આચરી ઓર્ગેનાઈજ ક્રિમીનલ બની ગયેલ જયેશ પટેલ હવે ટૂંક સમયમાં જામનગર પોલીસના હાથમાં હશે. વાંધામાં પડેલ જમીનનો સોદાઓ કરી અનેક જમીન કૌભાંડ આચરી જયેશ પટેલ જામનગરમાં ટૂંકા ગાળામાં ખુબ પૈસાપાત્ર બની ગયો હતો. જયેશ સામે ૪૦થી વધુ જમીન કૌભાંડની ફરીયાદ નોંધાઈ છે. આવા જ એક જમીન કૌભાંડમાં જયેશ પટેલની સામા પક્ષે વકીલ કિરીટ જોશીએ કાયદાકીય રીતે જયેશને મોટી ચુનૌતી આપી હતી. નગરના વકીલ કિરીટ જોશી ની કોર્ટ સમક્ષ છણાવટને લઈને જયેશને જમીન પ્રકરણમાં છેક સુપ્રીમ કોર્ટ સુધી લાંબુ થવું પડ્યું હતું. જેના રંજને લઈને જયેશે ભાડુતી મારાઓ રોકી વર્ષ ૨૦૧૮માં કિરીટ જોશીની હત્યા નીપજાવી ભારત છોડી નાશી ગયો હતો. ભારત છોડી નાશી ગયા બાદ જયેશ ખરા રંગમાં આવ્યો હતો અને વ્હાઈટ કોલર ગેંગ ઉભી કરી ખંડણી વસુલવી શરુ કરી હતી અને શહેરના અનેક માલેતુજારોને ધમકાવી, ફાયરીંગ કરાવી, ભય બતાવી  કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવી શરુ કરી હતી. જોત જોતામાં અનેક માલેતુજારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લઇ શહેરમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.

ત્યારબાદ સફાળી જાગેલ રાજ્ય સરકારે પોલીસની સ્પેશ્યલ ટીમ જામનગરમાં મૂકી ઓપરેશન જયેશ પટેલ હાથ ધર્યું હતું. પોલીસે જયેશ પટેલ સહીત તેની વ્હાઈટ કોલર ગેંગ સામે ગુજ્સીટોક સબંધિત કાર્યવાહી કરી તેની ગેંગના ૧૪ સખ્સોને જેલમાં પૂરી દીધા હતા. દરમિયાન નાસતો ફરતો જયેશ પણ લંડન પોલીસના હાથે પકડાઈ ગયો હતો. આ કેશમાં જયેશ પટેલ ઉપરાંત રમેશ અભંગી, સહીત ત્રણ હજુ ફરાર છે.જયેશ લંડન પોલીસના હાથે પકડાયા બાદ ગુજરાત પોલીસે બંને દેશની એલચી કચેરી થ્રુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી પરત લઇ આવવા ખટલો ચલાવ્યો હતો.

જામનગર એસપીના જણાવ્યા અનુસાર જામનગર પોલીસ વતી એસપી પ્રેમસુખ ડેલું અને ઓપરેશન જયેશ પટેલમાં જેની મહત્વની ભૂમિકા છે એવા દેવભૂમિ દ્વારકા એસપી નીતેશ પાંડે દર પખવાડિએ લંડન કોર્ટ સમક્ષ વીસીથી જોડાતા હતા, દર વખતે જયેશ પટેલ પોતે નિર્દોષ હોવાની વાહિયાત દલીલ કોર્ટ સમક્ષ કરી ભારતમાં પોતાના જીવનું જોખમ હોવાનું અને જામનગર પોલીસ પર અનેક આક્ષેપ કરતો હતો.

આ આક્પષેપ સામે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડાઓ દ્વારા એક એક પોઈન્ટ પર છણાવટ કરી, લંડન કોર્ટનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા. , આખરે આજે લંડન કોર્ટે સાંજે સાડા સાત વાગ્યે જામનગર એસપીને સતાવાર રીતે મેઈલ કરી જયેશ પટેલને ભારત પરત મોકલવા પર આપેલ ચુકાદાની ૩૦૦ પેજની કોપી મોકલી આપી છે. હવે બંને દેશ વચ્ચે ઓપચારિક કાયદાકીય પ્રક્રિયા બાદ ટૂંક સમયમાં જયેશ જામનગર પોલીસના કબ્જામાં હશે એમ જામનગર એસપી પ્રેમસુખ ડેલુંએ જણાવી જામનગર પોલીસની મહેનતનું આ પરિણામ હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here