GPCBના અધિકારી બે દિવસના રિમાન્ડ પર, આજે જામનગરની ટીમે કરી આ કાર્યવાહી

0
774

જામનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી પાસેથી મળેલી લાખો રૂપિયાની રોકડ બાદ તેની સામે અપ્રમાણસરની મિલકત સબંધિત ગુન્હો નોંધાયો હતો જેને લઈને રાજ્યની એસીબી શાખાઓ હરકતમાં આવી છે. જામનગરમાં પણ આ અધકારીએ કોઈ સત્તાની રુએ ભ્રષ્ટાચાર આચર્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર એસીબીની ટીમે અધિકારીના ઘરની તલાશી લેતા રૂ.૧૦,૦૯,૬૧૩ ની રોકડ તથા બે સોનાની લગડી સહીત રૂ.૧૦.૮૯ લાખની મત્તા કબજે કરી છે.

જામનગર જીપીસીબી કચેરીના મુખ્ય અધિકારી બી.જી. સુત્રેજાને ગાંધીનગર એસીબીએ રૂપિયા પાંચ લાખની રોકડ સાથે બે દિવસ પૂર્વે આંતરી લીધા હતા. જામનગરથી પોતાના ઘર તરફ જતા અધિકારી પાસે બહુમાત્રામાં રોકડ હોવાની વિગતો સામે આવતા એસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જીપીસીબીના અધિકારી સામે સકંજો કસવામાં આવતા રાજકોટ અને જામનગર કચેરીના સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો. જે તે કચેરીના સ્ટાફ પર સકંજો કસવાની જે દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે તે સાચી ઠરી છે. જામનગર એસીબીની કચેરીના પીઆઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આજે કચેરીએ પહોચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જો કે અધિકારી સુત્રેજાના કબાટની ચાવી ન મળતા હાલ કબાટને સીલ કરવામાં આવ્યો છે. જયારે કચેરીની તપાસ બાદ એસીબીની ટીમ અધિકારીના જામનગરના નિવાસ સ્થાને જયંત સોસાયટીમાં આવેલા યાત્રી એપાર્ટમેન્ટ પર દોડી ગઈ હતી જ્યાં બીજા માળે આવેલા અધિકારીના ફ્લેટ પર સર્ચ ઓપરેશન તરફ કાર્યવાહીનો દોર આગળ વધાર્યો હતો. જો કે અધિકારીના ફ્લેટના દરવાજા પર અલીગઢી તાળું જોવા મળતા એસીબીની ટીમે ફ્લેટ બહાર નોટીશ ચિપકાવી, ફ્લેટ સીલ કર્યો હતો. તંત્રની આ કાર્યવાહીને લઈને સ્થાનિક કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એસીબીએ વ્યક્ત કરેલી ધારણા મુજબ અધિકારીના કબાટ અને રૂમમાંથી મહત્વના પુરાવાઓ હાથ લાગશે. જો કે આ બાબત ત્યારે જ સામે આવશે જયારે અધિકારીને સાથે રાખી તંત્ર સર્ચ ઓપરેશન હાથ ધરશે.

બીજી તરફ ગાંધીનગર એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ મુજબ અધિકારી ભાયાભાઈ ગીગાભાઈ સુત્રેજા સામે ગુન્હો નોંધી કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. જેમાં કોર્ટે આરોપી અધિકારીને તા.૧૭ સુધીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

NO COMMENTS