જામનગર : બરાબર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે કંપનીઓએ ખાતરના ભાવ વધારાની રોન કાઢતા સરકારને ચૂંટણીમાં નુકસાની જવાની ભીતિ લાગતા મેદાને આવી ગઈ હતી અને કોઈ ભાવ વધારો નહી થાય એવી ધરપત આપી હતી. પરંતુ જેવી ચૂટણી પૂર્ણ થઇ ગઈ ત્યાં જ કંપનીઓએ ભાવ વધારો કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે. રાજ્ય ભરમાંથી વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. ત્યારે રાજ્ય સરકાર ફરી મેદાનમાં આવી ગઈ છે. પરંતુ આ વખતે સરકારે કંપનીનું ઉપરાણું લઇ આશ્ચર્ય સર્જી દીધું છે. આ વાતને લઈને વિરોધ ઘટવાને બદલે વધે એવું પણ બની શકે.

ખાતરના ભાવ વધારા બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘેરાઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચુટણી પ્રક્રિયા વખતે જ કંપનીઓએ ભાવ વધારાનો આડકતરો ઇસારો કરતા રાજ્યભરમાં હાહો થઇ ગઈ હતી. ચૂંટણી બાદ કંપનીઓએ ભાવ વધારો કરી દેતા ખેડૂતો કોપાયમાન થયા છે. ભાવ વધારા બાબતે થયેલ વિરોધને લઇને રાજ્ય સરકારે મો સીવી લીધું હતું. ચો તરફથી વિરોધ ઉઠતા આજે રાજ્ય સરકારે મો ખોલ્યું છે. કેબીનેટ કૃષિ મંત્રીએ ખેડૂતોનો બચાવ કરવાના બદલે કંપનીઓ તરફી વાણી ઉચ્ચારતા આશ્ચર્ય સર્જાયું છે. ખાતર ઉત્પાદનમાં લાગત વધી જતા કંપનીઓને ભાવ વધારો કરવો પડ્યો હોવાનું રાજ્ય સરકારે આખરે જાહેર કર્યું છે. હાલની સ્થિતિ મુજબ કંપનીઓને પોષાતું નથી એમ જણાવી કૃષિ મંત્રી ભાવ વધારા મુદ્દે વડપ્રધાનન સમક્ષ લઇ નિરાકરણ કરવામાં આવશે એવો આશાવાદ સેવ્યો છે.
હાલ સોશ્યલ મીડિયામાં વહેતા થયેલ એક ફોટામાં દર્શાવાયું છે કે મંત્રી ખોવાયા છે અને તેમાં કૃષિ મંત્રીના નામનો ઉલ્લેખ છે. આ પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રી ફળદુએ કહ્યું હતું કે સોશ્યલ મીડિયાને હું માનતો નથી. એવું છે પણ નહી. હું એક કાર્યકર તરીકે હમેશા કામ કરું છું જેને મજા આવે એવું કરે એમાં હું કઈ નહિ કહ્યું એમ જણાવી વાત વાળી હતી.