જામનગર : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે જેમાં જામનગર જીલ્લા અને દેવભૂમિ દ્વારકાના એસપીનો પણ સમાવેશ થાય છે. જામનગરના એસપી શરદ સિંઘલની સુરત ખાતે પ્રમોશન સાથે બદલી થતા તેઓની જગ્યાએ ડાંગ-આહવા એસપી શ્વેતા શ્રીમાળીની નિયુક્તિ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે જ જીલ્લા પોલીસ વડા સિંઘલે ચાર્જ છોડી દીધો હતો. બે દિવસ સુધી શહેર ડીવાયએસપી જાડેજાએ ઇન્ચાર્જ એસપી તરીકે ભૂમિકા ભજવ્યા બાદ આજે જીલ્લા પોલીસ વડા તરીકે શ્વેતા શ્રીમાળીએ ચાર્જ સંભાળી લીધો છે. આજે જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે ચાર્જ સંભાળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ યોજી જીલ્લાની વર્તમાન સ્થિતિ અને ભૂતકાળની સ્થતિનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
શહેર જીલ્લાની વાત કરીએ તો મહિલા પોલીસ વડા શ્રીમાળી સામે મુખ્ય પડકારોમાં સૌથી મોટો પડકાર હોય તો તે છે કુખ્યાત ભૂ માફિયા જયેશ પટેલ, જામનગર શહેર-જીલ્લા ઉપરાંત રાજ્યભરમાં જમીન કૌભાડ, હત્યા, લુંટ, મારામારી, ફાયરિગ, મનીલોન્ડેરીંગ, ખંડણી, હત્યા પ્રયાસ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ જયેશ પટેલ નવા એસપી માટે ચેલેન્જરૂપ છે. સવા બે વર્ષ પૂર્વે શહેરના વકીલ કિરીટ જોશીની ભાડુતી મારાઓ પાસે હત્યા કરાવી ફરાર થઇ ગયેલ જયેશ પટેલ આજ દિવસ સુધી જામનગર પોલીસના હાથ આવ્યો નથી. હાથ તો ઠીક જયેશ કયા છે તેનો પણ લાંબા સમય સુધી પતો મેળવવામાં પણ પોલીસ નિષ્ફળ નીવડી છે. બીજી તરફ ભૂગર્ભમાં રહીને પણ જમીન માફિયા જયેશ પટેલ એક બાદ એક ગંભીર વારદાતને અંજામ આપતો જ રહ્યો છે. એક પછી એક ગુન્હા આચરી જયેશ પટેલ જામનગર પોલીસને પડકાર આપતો રહ્યો છે. તાજેતરમાં બિલ્ડર પર ફાયરીંગ કરી હત્યા નીપજાવવાનો અંતિમ ગુનો આચાર્યો હતો. જયેશની એવી એમઓ છે કે એ છ માસમાં એક વખત શહેરમાં ભાડુતી માણસો રોકી ફાયરીંગ કરાવે છે. ડોન તરીકે પોતાને નવાજતા જયેશને પકડવામાં પોલીસ આજ દિવસ સુધી સફળ રહી નથી.
બીજો મોટો પડકાર છે ખનીજ ચોરી, જીલ્લાના જોડિયા અને ધ્રોલ પંથકમાં રાત-દિવસ બેરોકટોક ખનીજ ચોરી થાય છે. છતા પણ આ ખનીજ ચોરી હજુ સુધી ડામી સકાય નથી. જોડીયામાં મોટાપાયે ખનીજ ચોરી થાય છે છતાં સ્થાનિક પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા ક્યારેય કાર્યવાહી કરી નથી એ વાસ્તવિકતા છે. ખાણ ખનીજ તંત્ર વર્ષે એકાદ વખત આ બાજુ આટો મારી કહેવા પુરતી કામગીરી કર્યાનો સંતોષ માની લેતું હોવાનો ઈતિહાસ ગવાહ છે.
આ ઉપરાંત વ્યાજખોરોનો ત્રાસ પણ એક મોટો પડકાર રહ્યો છે અને ભૂતકાળમાં પણ આ પડકાર સામે જ રહેશે. વ્યાજખોરોની ચુન્ગાલમાં ફસાયેલ અનેક પરિવાર વિખાઈ ગયા છે. જેમાં પોણા બે વર્ષે શહેરના એક જ પરિવારના એક સાથે પાંચ-પાંચ વ્યક્તિઓના મૃતદેહ નજર સામે તરવરે છે ત્યારે હજુ પણ ધ્રુજારી છૂટી જાય છે. શું વાંક હતો એ માસુમ બાળકોનો ? કોના કારણે પરિવારનો માળો પીંખાઇ ગયો ? સૌ કોઈ જાણતું હતું કે આ પરિવાર પર વ્યાજખોરોનો ડોળો હતો. આ પ્રકરણમાં આજ દિવસ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આવા તો અંકે પરિવારના મોભીઓ ફના થઇ ગયા છે વ્યાજખોરોના ત્રાસ થી, વ્યાજખોરોનું સામ્રાજ્ય એ એસપી શ્રીમાળી માટે બીજો મોટો પડકાર છે.
આ ઉપરાંત દારૂ, જુગાર સહિતના ક્રાઈમ ક્યારેય રોકાયા જ નથી. છતાં પણ મહિલા એસપી પાસે નાગરિકો કૈક નવી ભૂમિકાની આશા રાખી રહ્યા છે.
અન્ય એક પડકાર છે જે અન્ય એકેય જીલ્લા પોલીસ વડાએ ફેસ કર્યા નથી સિવાય કે એસપી શરદ સિંઘલ આ સ્થિતિમાંથી બખૂબી ભૂમિકા ભજવી જામનગરીઓની વાહ વાહી મેળવી ગયા છે તે પડકાર છે હાલની સ્થિતિ. કેમકે હવે પછીનો સમય છે કોમ્યુનીટી ટ્રાન્સમિશનનો, કુદકે ને ભૂસકે વધતા દર્દીઓને ધ્યાને રાખી કામ વગર અને બેદકારી પૂર્વક બહાર નીકળતા નાગરિકોમાં કોરના સંક્રમિત ન થાય તે માટે નવા એસપી કેવું આયોજન કરે છે તે પણ એક પડકાર રૂપ છે. બીજી કે શ્વેતા મેમ જ્યાંથી બદલી પામી આવ્યા છે તે જીલ્લો પણ સૌથી નાનો અને કોરોનાનું સંક્રમણ પણ નહીવત હતું.
આ મોટા પડકારો ઉપરાંત સમયાન્તરે ન ધારેલી ગંભીર ઘટનાઓ પણ ઘટતી જ રહે છે ત્યારે પણ પોતાની જવાબદારી વધી જતી હોય છે. જેમાં આકસ્મિક જૂથ અથડામણ, હત્યા સહિતના અણધાર્યા બનાવો સમયાન્તરે બનતા જ રહ્યા છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઘટેલી મોટાભાગની અણધારી ગંભીર ઘટનાઓના ભેદ ઉકેલાઈ ગયા જ છે.
નવા એસપી સામે પડકારો ઘણા છે પરંતુ તેની સામે તેઓની પાસે કુનેહ, સેનાપતિ તરીકેનું કૌશલ્ય અને સૌથી મોટી વાત અનુભવ છે. જામનગરની જનતા તમારું સ્વાગત કરે છે મેડમ સર, પડકારો સામે સુજ્બુજ અને સક્ષમ બની જાંબાજ અધિકારી તરીકે જીલ્લામાં સ્થાન પામો એવી જીલ્લાભરની પ્રજાને તમારા પર આશા બંધાઈ છે. સ્વાગત છે તમારું જામનગરની ધરતી પર…