જામનગર : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલ આજે હાલારની મુલાકાતે આવ્યા છે. દ્વારકાધીશને શીશ જુકાવી હાર્દિકે જામનગર ખાતે ગુજરાતના નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે કોંગ્રેસ નિર્ણયાત્મક આંદોલન કરશે એમ હુકાર ભણ્યો છે. ખેડૂત, ખેતીવાડી, મોંઘવારી, મહિલાઓના પ્રશ્નોને લઈને આગામી સમયમાં કોગ્રેસ સતાધારી પક્ષની સામે જોરદાર લડત ચલાવશે એમ હાર્દિકે ઉમેર્યું હતું.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે વરણી પામી હાર્દિક પટેલ આજે સતાવાર રીતે પ્રથમ વખત જામનગર અને દેવભૂમિ દ્વારકાના પ્રવાશે આવ્યો છે. આજે દ્વારકાધીશના ચરણોમાં શીશ જુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી સ્થાનિક કોંગ્રેસી નેતાઓ સાથે વાતચીત કરી હતી. દ્વારકા જીલ્લામાં અતિવૃષ્ટિમાં થયેલ ખેડૂત અને ખેતીવાડીના નુકસાનનો તાગ મેળવ્યો હતો.
જમીન અને પાકને થયેલ નુકસાની અંગે ખેડૂતોમાં સરકારની નદારદ ભૂમિકાને લઈને આગામી સમયમાં કોંગ્રેસ મેદાને પડશે એમ હાર્દિકે જામનગર ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. રાજ્યમાં માત્ર વિરોધની રાજનીતિ નહી પણ સબળ વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી છ કરોડ ભાઈઓ-બહેનોની સમસ્યાને લઈને સરકાર પાસે મજબુત રજૂઆત કરવામાં આવે, બેરોજગાર ઉમેદવારોને રોજગારી, ખેડૂતની સમસ્યા, મોંઘવારી અને સામન્ય-માધ્યમ વર્ગની તમામ સમસ્યાઓનાં નિરાકરણ માટે જરૂર પડ્યે વિધાનસભા ગજવવામાં આવશે એમ હાર્દિકે હુકાર વ્યક્ત કર્યો હતો.
સાથે સાથે અંદોલન માટે કાર્યક્રમ પુરતું સીમિત નહી રાખત નિર્ણાયક બનાવવાના પ્રયાસો કરાશે એમ જણાવ્યું હતું. જામનગરમાં હાર્દિકની સાથે પીઢ કોંગ્રેસી નેતા ભીખુભાઈ વારોતરીયા, ધારાસભ્ય વિક્રમ માડમ,ચિરાગ કાલરીયા, પ્રવીણ મુસડીયા, મુરુભાઈ કન્ડોરીયા, વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી, દિગુભા જાડેજા અને યુવા ટીમ જોડાઈ હતી.