જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ નજીક ઘેટાં બકરા ચરાવતા ભરવાડ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઘેટા ચોરી કરી જતા આરોપીઓ સાથે વૃદ્ધે બાથ ભીડતા આરોપીઓએ ચોતરફથી હુમલો કરી ઢીમ ઢાળી 12 ઘેટાં ચોરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધની હત્યા નિપજાવી નાસી ગયેલ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. મોરબીના શખ્સોએ ઘેટાં માટે લૂંટ ચલાવી પાટણ જિલ્લામાં નાસી ગયા હતા. જેને લઈને પોલીસે હારીજ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા.
જામનગર તાલુકાના સામતપીર ગામમાં રહેતાં ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ શુક્રવારે સાંજના સમયે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં તેના ઘેટા-બકરા ચરાવતા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે કયા કારણોસર વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. ઉપરાંત ઘટનાસ્થળની આજુબાજુમાં પણ લોકોની પુછપરછ કરી હત્યારાઓનું સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં અમુક શખ્સો ઘટનાના દિવસે ઘેટાં સાથે જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને પોલીસ તપાસ હત્યારાઓ સુધી પહોંચી હતી.
બુધો ગેલાભાઇ પરમાર સરાણીયારહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી,નદીના કાંઠે જી-મોરબી, વિજય રધાભાઇ સિંધવ રહે.- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી, અર્જુન ગેલાભાઇ પરમાર રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી, કિશન જીવાભાઇ પરમાર રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી આ ચારેય શખ્સોને પોલીસે પાટણ એસોજીની મદદથી પકડી પાડી જામનગર લઈ આવ્યા હતા.
આરોપીઓએ ઘેટાં માટે વૃદ્ધને પરધામ પહોંચાડી દીધા હોવાની વિગતો બહાર આવી છે. આજે ડીવાયએસપી જીગ્નેશ ચાવડાએ ઉપરોક્ત વિગતો આપી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.