જામનગર : ગુજરાત સરકારે અનલોક-ચારની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સપ્ટેમ્બરનો આખો મહિનો લોકડાઉન લંબાવ્યુ છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. આજ થી જ હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત પબ્લિક ગાર્ડન અને ધાર્મિક સ્થળોને પણ પ્રતિબંધમાંથી મુક્તિ આપતા કોરોનાકાળ પૂર્વેના સમય મુજબ જ ધમધમશે. મહત્વની બાબત એ છે કે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં.
રાજ્યભરમાં શાળા-કોલેજો 30મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ ઉપરાંત લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. રાજ્યભરની પુસ્તકાલયો મહતમ સંખ્યા કરતા ૪૦ ટકા ઓછી રાખવાની રહેશે. સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ સિનેમા બંધ જ રહેશે. ઓપન એર થિએટર 21મી સપ્ટેમ્બરથી ઓપન કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સૌથી મોટો નિર્ણય એ છે કે સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ આપવામાં આવશે. જો કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે મંજુરી અપાશે. જો કે લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી જે સે થે જ રહેશે.