કોરોનાના નવા વેરિયંટ ઓમીક્રોનના રાજ્યના પ્રથમ કેસ બાદ જામનગરમાં જ વધુ બે કેસ સામે આવતા શહેરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આ બે દર્દીઓ પૈકી એક દર્દી આગાઉના દર્દીના પત્ની જ છે અને બીજો દર્દી તેનો સગો સાળો છે. ઝીમ્બાબ્વેથી પુત્રી સાથેનો ત્રણ સભ્યો જામનગર આવ્યા બાદ વૃદ્ધ ઓમીક્રોન પોજીટીવ જાહેર થયા હતા. ત્યારબાદ કોરોનાગ્રસ્ત જાહેર થયેલ વૃદ્ધના નજીક રહેલ પત્ની અને સાળો ઓમીક્રોન વેરિયંટ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
ગત તા. ૨૮મીના રોજ ઝીમ્બાબ્વેથી દુબઈ થઇ અમદાવાદથી જામનગર આવેલ વૃદ્ધ કોરોનાના નવા વેરીયંટ સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. રાજ્યનો પ્રથમ કેસ હતો જે નવા વેરિયંટ સંક્રમિત હતો. જેને લઈને જામનગર આરોગ્ય તંત્ર સહીત રાજ્યભરમાં ચિંતા જન્મી હતી. આફ્રિકન દેશમાંથી જ સામે આવેલ નવા વેરીયંટ બાદ જામનગર આવેલ પ્રૌઢ આ નવા વેરિયંટ સંક્રમિત હોવાનું સામે આવતા ફરી ચિંતા પ્રશરી હતી. આ ચિંતામાં ત્યારે વધારો થયો જયારે આ વૃદ્ધ દર્દીની સાથે રહેલ તેના પત્ની અને તેનો સાળો તા. ૬ના રોજ કોરોના પોજીટીવ હોવાનું સામે આવતા બંનેના નમુના ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. ચાર દિવસના પરીક્ષણ બાદ આજે ગાંધીનગરની લેબ દ્વારા જાહેર થયેલ રીપોર્ટમાં બંને ઓમીક્રોન સંક્રમિત હોવાનું જાહેર થયું છે. જેને લઈને હવે રાજ્યમાં ઓમેક્રોન દર્દીઓની સંખ્યા ત્રણ થઇ છે. જે માત્ર જામનગરમાં જ છે. જે ઘરે દર્દીઓ સામે આવ્યા તે દર્દીઓના સંપર્કમાં આવેલ અન્ય પરિવારજનોના છેલ્લા એક સપ્તાહથી દરરોજ કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જામનગરના ઉદ્યોગપતિ અશોક લાલના પુત્રના જયપુર ખાતે યોજાયેલ લગ્નમાં સહભાગી બનેલ પરિવાર અને જામનગરના અન્ય મહેમાનો સહિતના ૧૦થી વધુ શહેરજનો પોજીટીવ આવ્યા છે જેને લઈને પણ ચિંતા ઉભી થઇ છે.