ભૂગર્ભ શાખાની કામગીરી સામે અસંતોષનો સુર વહેતા કમિશ્નર દ્વારા વિભાગના અધિકારીને બદલી નાખવામાં આવ્યા છે. આ સાથે અન્ય ત્રણ અધિકારી-કર્મચારીઓના સ્થાન બદલી નાખવામાં આવ્યા છે. બીજી તરફ ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને આ વિભાગને ચાર જોનમાં વેચી જે તે જોનના અધિકારીઓના નંબર પ્રજા ફરિયાદ નિવારણ અર્થે જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાનો આંતરિક વહીવટ લાંબા સમયથી કથળ્યો હોવાની વારે વારે ફરિયાદો ઉઠતી આવી છે. એમાય વિપક્ષે તો જનરલ બોર્ડમાં અધિકારીઓની તાનાસાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. પેઘી ગયેલ અધિકારીઓ દાદ નહી આપતા હોવાની ફરિયાદ વચ્ચે કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા. તો એકબીજા વિભાગના અધિકારીઓ વચ્ચે કામ અને કામકરવાની પ્રણાલીને લઈને પણ આંતરિક હુસતુશી ચાલતી જ આવી છે. આવા બે અધિકારીઓ પાસેથી અન્ય વિભાગના ચાર્જ લઇ કમિશનરે દાખલો બેસાડ્યો હતો. છતાં પણ અમુક અધિકારીઓ સામે હજુ પણ આંગળી ચિંધવામાં આવતી હતી.
જેને લઈને વધુ એક વખત કમિશ્નર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટેક્સ ઓફિસર નો ચાર્જ ધરાવતા મુકેશ ચાવડા પાસે થી ટેક્સ ઓફિસરનો ચાર્જ પરત લેવાયો છે, અને તેનો હવાલો નિકુંજ શુક્લા ને આપવામાં આવ્યો છે, જ્યારે ભૂગર્ભ ગટર શાખાના અધિકારી અમિત કણસાગરા પાસે થી પણ ચાર્જ પરત લેવાયો છે. અને તેનો હવાલો મુકેશ ચાવડા ને સોંપવામાં આવ્યો છે. જો કે અમિત કણસાગરા ને ભૂગર્ભ ગટર શાખા માં જ રાખવામાં આવ્યા છે. ફક્ત તેના હોદ્દાના ચાર્જમાં ફેરફાર કરાયો છે. જયારે વિવાદિત ભૂગર્ભ ગટર શાખાને ચાર જોનમાં વહેચી દઈ કમિશનરે ચાર અધિકારી-કર્મચારીઓને ચાર્જ સોંપ્યો છે. શહેરના દરેક જોનની ફરિયાદ માટે આ અધિકારીઓના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં નાગરિકો પોતાની ફરિયાદ રજુ કરશે અને અધિકારીઓ સમસ્યાનું નિરાકરણ કરવા કાર્યવાહી કરશે.