જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારી – ડેપ્યુટી કલેકટર નિહાર ભેટારિયાને ગાંધીનગર એસીબીની ટીમે ત્રણ લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા માટે ત્રણ લાખની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.
દેવભુમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિહાર બુધાભાઇ ભેટારીયાએ એક આશામીને પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માટે રૂ.૩,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે જે તે આશામી આવડી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ ગાંધીનગર એસીબીની ફરિયાદ કરી હતી. જેના આધારે આજે ગાંધીનગર એ.સી.બી. ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં દ્વારકા નાયબ કલેક્ટર ભેટારિયા ત્રણ લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. એસીબીની ટીમે અધિકારીની ધરપકડ કરી તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત તેના બેંકના એકાઉન્ટ સહિતનો તાગ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જીએએસ કક્ષાનો અધિકારી એસીબીની ટ્રેપમાં સપડાઈ જતા હાલરની બંને સરકારી કચેરીઓમાં આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.