જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ અને બે અનાર્મ કોન્સ્ટેબલની તાત્કાલિક અસરથી જામનગર પોલીસ હેડકવાટરમાં બદલી કરી નાખવામાં આવી છે. અત્રે ડી સ્ટાફમાં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓની બદલી વ્યવસ્થાપનના ભાગ રૂપે કરવામાં આવી છે એમ ઇન્ચાર્જ એસપીએ સતાવાર જણાવ્યું છે પણ આંતરિક સુત્રોનું માનવામાં આવે તો ત્રણેય પોલીસકર્મીઓ દારૂના અડ્ડાઓના હપ્તાઓ નહી પણ પોતાના જ અડ્ડા ઉભા કરી સંચાલન કરતા હોવાથી ફેકી દેવાયા છે. બીજી તરફ સ્થાનિક પીએસઆઈ સામે પણ ડીપાર્ટમેન્ટલી તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર જીલ્લાના મેઘપર પોલીસ દફતરમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ જાડેજા, આર્મ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી પોલીસ હેડક્વાટર બદલી કરી નાખવામાં આવી છે. ગત તા. ૧૦મીના રોજ ઇન્ચાર્જ એસપી નીતેશ પાંડેએ સિંગલ ઓર્ડરથી ત્રણેય પોલીસકર્મીઓને મેઘપર પોલીસ સ્ટેશનથી તાત્કાલિક પોલીસ હેડક્વાટર તબદીલ કરવાની લેખિત ઓર્ડર આપ્યો છે. પોલીસ તંત્રની જાહેર હિતના ભાગ રૂપે બદલી કરવામાં આવી છે એમ સતાવાર જાહેર કરાયું છે.
પોલીસ તંત્રમાં આ ફેરફાર બાદ એજ જ ચર્ચા ચાલી રહી છે કે આ તો એક દિવસ થવાનું જ હતું. પોલીસ વિભાગના વિશ્વસનીય સુત્રોનું માનવામાં આવે તો જિલ્લામાં સૌથી વધુ દારૂની ભઠ્ઠીઓ મેઘપર પોલીસ દફતરના વિસ્તારમાં ધમધમી રહી છે. મેઘપર પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ જ આવી ભઠ્ઠીઓ ધમધમતી હોવાના અનેક વખત આક્ષેપો થતા રહ્યા છે. ત્યારે સિંગલ ઓર્ડરથી થયેલ ત્રણેય પોલીસકર્મીઓની બદલીને પણ દેશી દારૂના હાટડા સાથે ગહન સબંધ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌથી ચોકાવનારી ચર્ચાએ છે કે આ વખતે હપ્તા સીસ્ટમ નહી પણ દેશી ભઠ્ઠીઓનું સંચાલન જ પોલીસકર્મીઓ દ્વારા થતું હતું.
તાજેતરમાં એલસીબીએ મેઘપર પોલીસ દફતરના વિસ્તારોમાં કરેલ દારૂ સબંધિત કાર્યવાહી બાદ કરવામાં આવી છે. જો કે બદલી પાછળનું સતાવાર કારણ તો સુચારુ વ્યવસ્થા જ બતાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ મેઘપર પીએસઆઈ સિસોદિયા સામે પણ ઇન્ક્વાયરીના ઓર્ડર કરી દેવાયા હોવાની વિગતો જાણવા મળી છે. સુત્રોના દાવા મુજબનો આ દાવો સાચો હોય તો પોલીસ તંત્ર જ નહી પણ સભ્ય સમાજ માટે અંત્યત ગંભીર બાબત ગણાય,કાયદાના રક્ષક જ કાયદાને ઘોળી પી જાય તો કાયદો વ્યવસ્થાના સુચારુ સંચાલનની આશા જ શું રાખવી, બદલી પાછળનું સાચું કારણ જે હોય તે પણ હાલ આ બદલી હાલ પોલીસબેડામાં ચર્ચાનો વિષય જરૂર બની છે.