સુરત : આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી સાથે થયેલ ઉગ્ર ચર્ચાઓ બાદ દેશભરમાં છવાઈ ગયેલ લેડી સિંઘમ સુનીતા યાદવ સામે પોલીસ તંત્ર દ્વારા સીકંજો કસાતો જાય છે. છેલ્લા એક સપ્તાહથી ડ્યુટી પર ગેર હાજર રહેવાને લઈને અને સુનીતાના વાયરલ થયેલ વધુ એક વિવાદાસ્પદ વિડીઓ અંગે જુદી જુદી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અનલોક બેમાં સુરત ખાતે એક સપ્તાહ પૂર્વે વરાછા વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ ચાર સખ્સોને રોકાવી પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરતી હતી ત્યારે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્ર કાર સાથે આવી પહોચ્યા હતા અને મંત્રી પુત્ર સાથે લેડી પોલીસકર્મીને બોલાચાલી થઇ હતી. આ બાબતે સુનીતાએ પોલીસ કર્મીઓ સાથે કરાવેલ વિડીઓ શુટિંગ વાયરલ થતા રાતોરાત સુનીતા પ્રસિદ્ધ થઇ ગઈ હતી.
પોતે મૌખિક રાજીનામું આપી સોશિયલ મીડિયામાં એક્ટીવ થઇ ગઈ હતી. ફરજ પ્રત્યેનો લગાવ અને ખાખી પ્રત્યેની વફાદારીને લઈને પ્રસિદ્ધ થયેલ સુનીતાના પછીથી સામે આવેલ ફોટા અને વિડીઓએ વિવાદ ઉભો કર્યો છે. આ વિડીઓમાં સુનીતા એક પોઈન્ટ પર નાગરિકોને ઉઠક બેઠક કરાવતી નજરે પડતી હતી. જેને લઈને આજે સુનીતા સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આ તપાસ સીનીયર અધિકારી અને એફ ડીવીજનના એસીપી જે કે પંડ્યાને સોંપી છે. બીજી તરફ રજા વગર જ ફરજ પરથી દુર હતી જતા પણ સુનીતા સામે વધુ એક તપાસનો આદેશ થયો છે. પ્રથમ જે તે બનાવને લઈને સુનીતા સામે તપાસ ચાલી રહી છે ત્યાં વધુ બે તપાસના આદેશ કરવામાં આવતા હવે તેની સામે ગાળિયો વધુ મજબુત થયો છે.