જામનગર : જીપીએસસીની પરીક્ષા પાસ કર્યા વગર જ એક ઉમેદવાર કલાસ વન અને ટુ ઓફિસર બનવા માટે દાવેદારી કરનાર સખ્સ સામે બોર્ડ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. ફોજદારી ઉપરાંત ઉમેદવાર પર પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (જીપીએસસી) દ્વારા ગાંધીનગર પોલીસ દફતરમાં એક ઉમેદવાર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બોર્ડ દ્વારા લેવાયેલ ક્લાસ વન અને ટુના જુદા જુદા પદ પરની પરીક્ષાઓના પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાવિક નામના એક ઉમેદવારે પરિણામ સાથે ચેડા કરી બીજાની જગ્યાએ પોતાનું નામ લખી નાખી જે તે ઉમેદવાર બની જઈ નોકરી મેળવવા દાવો કર્યો હતો. જેની જીપીએસસી દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ભાવિકની છેતરપીંડી સામે આવી હતી. જેને લઈને બોર્ડ દ્વારા ભાવિક સામે ગાંધીનગર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત બોર્ડની માર્ગદર્શિકા મુજબ આ ઉમેદવાર સામે હવે પછીની બોર્ડની પરીક્ષાઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સેક્ટર સાત પોલીસ મથકે આ સખ્સની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.