જામનગર : જામનગરમાં મેહુલ સિનેમા પાછળ રહેતા એક પરિવારની યુવતીને છેક રાજકોટથી મળવા તેના ઘરે આવ્યો હતો. પરંતુ મુલાકાત વખતે જ યુવતીના પિતા આવી ચડતા જોવાજેવી થઇ હતી. યુવતીના પિતા અને માતાએ યુવાનને ગેસની નડી અને કપડા ધોવાના ધોકાથી ધબધબાવી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ, રાજકોટમાં અર્તીકા ફાટક પાસે આહીર ચોક નજીક શ્યામ હોલની બાજુમાં રહેતા કેતન વ્રજલાલ કકકડ નામનો યુવાન જામનગરમાં મેહુલ સિનેમા પાછળ આવેલ મયુર પાર્કમાં રહેતી તેની સ્ત્રી મિત્રને મળવા આવ્યો હતો. ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યે કેતન તેની મિત્રના ઘરે હતો ત્યારે જ યુવતીના માતા-પિતા આવી ચડ્યા હતા. કેતનને જોઈ માતા-પિતા સમજી ગયા હતા કે મહેમાન કેમ આવ્યા છે ? જેને લઈને યુવતીના પિતાએ ગેસના ચૂલાની નડી કાઢી અને તેની માતાએ કપડા ધોવાનો ધોકો સજાવી મહેમાન કેતનભાઈનું સ્વાગત કર્યું હતું. બંનેએ માર મારી યુવાનને ઈજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે યુવાને પોતાને માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ યુવતીના માતા પિતા સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.