દેવભૂમિ દ્વારકા : વાત એક એવા ડોક્ટરની જેણે આરામની નોકરી છોડી આર્મીમાં જોડાયો, હાજાગગડી જાય તેવું સ્થળ હતું પ્રથમ પોસ્ટીંગનું !!!

0
890

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સઈ-દેવળીયા ગામના મૂળ વતની અને હાલમાં રાજકોટ રહેતા નીતાબેન અને મનસુખભાઇ કાલરીયાના એકના એક દીકરા પાર્થિક કાલરીયાએ 12 સાયન્સમાં 93% માર્ક્સ મેળવીને સરકારી મેડિકલ કોલેજમાંથી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી. હોશિયાર ડોક્ટરને રાજકોટમાં જ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે સરકારી નોકરી મળી ગઈ. રાજકોટ જેવું રંગીલું શહેર, સારા પગાર વાળી સરકારી નોકરી, પિતાનું રાજકીય ક્ષેત્રે વર્ચસ્વ બીજું હવે શું જોઈએ ? પણ ડોક્ટર પાર્થિકનું મન કંઈક બીજું ઝંખતું હતું કારણકે માતા-પિતાએ બાળપણથી જ પાર્થિકને દેશપ્રેમના પાઠ ભણાવ્યા હતા.

ભારતીય સેનામાં ડોક્ટર તરીકે જોડાઈને સૈનિકોના સ્વાસ્થ્ય રક્ષણનું કામ કરવાની પાર્થિકની તીવ્ર ઈચ્છા હતી. માતા-પિતાએ એકમાત્ર સંતાનને આ માટે સહર્ષ સંમતિ આપી. પાર્થિકે સેનામાં જોડાવા માટેની પરીક્ષા પાસ કરી અને ભારતીય સેનામાં કેપ્ટન તરીકે પસંદગી પામ્યો. લખનૌ ખાતેની તાલીમ પૂરી થયા પછી તમામ તાલીમાર્થીઓને તેઓ ક્યાં પોસ્ટિંગ મેળવવા માંગે છે ? તેના વિકલ્પો આપવાનું જણાવ્યું. સામાન્ય રીતે વતનની નજીકમાં પોસ્ટિંગ મળે એવી સૌની ઈચ્છા હોય પણ આપણાં આ ગુજરાતી યુવાને કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવું પોસ્ટિંગ માંગ્યું….સિયાચીન.

સિયાચીન વિશે જે જાણતા હશે એને ખબર હશે કે ત્યાં ફરજ બજાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું અત્યંત કપરું કામ છે. ઉનાળામાં પણ ત્યાં -25 થી -35 ડિગ્રી તાપમાન હોય અને શિયાળામાં તે -55થી -60 ડિગ્રી જેટલું થઈ જાય. આપણે માઇનસની વાત તો બાજુએ રાખીએ, ખાલી 10 ડિગ્રી નીચે તાપમાન જાય તો પણ થથરી જઈએ છીએ ત્યારે ડો.પાર્થિકે સિયાચીનમાં આવા વાતાવરણમાં 2 વર્ષ સુધી સેવા બજાવી.

આ બે વર્ષના ગાળામાં 4 માસ માટે ડો.પાર્થિક સિયાચીન ગ્લેશિયરના લાસ્ટ પોઇન્ટ પર ફરજ બજાવી ચુક્યો છે. બેઇઝ કેમ્પથી આ પોઇન્ટ 104 કીમી જેટલું દૂર છે. બેઇઝ કેમ્પથી 104 કિમી ટ્રેકિંગ કરીને પોતાના ફરજના સ્થળે પહોંચવામાં ડો.પાર્થિકને 20 દિવસનો સમય લાગેલો. ચારે તરફ બરફ સિવાય બીજું કશું જ ન દેખાય એવા 25 કિમી જેટલા વિસ્તારમાં ફરજ પરના સૈનિકોના સ્વાસ્થ્યની જવાબદારી ડો.પાર્થિક પર હતી. સામાન્ય રીતે આપણા શરીરમાં ઓક્સીજન લેવલ 98-99 જેટલું રહેતું હોય છે (કોરોનાના લીધે હવે તો આ બધાને ખબર પડે છે) 90 નીચે ઓક્સીજન જાય તો હોસ્પિટલાઈઝ થવું પડે અને બહારથી ઓક્સિજન આપવો પડે. તમને જાણીને આશ્વર્ય થશે કે ડો. પાર્થિક જ્યાં ફરજ બજાવતા ત્યાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ માત્ર 73 થી 78 જેટલું જ હોય. ઓક્સિજનના આ લેવલ સાથે એકાદ -બે દિવસ નહીં પૂરા 4 મહિના સેવા બજાવી.સિયાચીન માટે બનાવવામાં આવતી ખાસ કીટ 24 કલાક પહેરી રાખવી પડે ત્યારે જીવી શકાય.

આટલા ઓછા ઓક્સિજનને કારણે ‘મેમરી લોસ’ જેવી મોટી સમસ્યા પણ સર્જાય છતાં જવાનો અને ડોક્ટર એમની ફરજ બજાવે છે. ડો.પાર્થિક જ્યારે 4 મહિના સેવા બજાવીને બેઇઝ કેમ્પ પર પરત ફર્યા ત્યારે એની સાથે જ રહેતા અને એમના પહેલા માત્ર 10 દિવસ વહેલા બેઇઝ કેમ્પ પર આવેલા સૈનિકોને મેમરી લોસને લીધે ઓળખતા નહોતા.

સૌથી છેવાડાના એ પોઇન્ટ પરની પોતાની 4 માસની સેવા દરમ્યાન રૂટિન સેવાઓ ઉપરાંત ડો. પાર્થિકે ક્રિટિકલ કંડીશનમાં મુકાયેલા 18 સૈનિકોને સમયસરની સારવાર આપીને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવી સેનાની હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. મહત્વની વાત એ છે કે આ તમામ 18 સૈનિકોના જીવ બચી ગયા હતા.

આજે ડો.પાર્થિક કાલરીયા કેપ્ટનમાંથી મેજર બની ગયા છે અને આર્મી હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં જ સેવા આપે છે. આર્મીમાં સાડા ચાર વર્ષની સેવામાં 2 વર્ષ સિયાચીન ઉપરાંત ઉરી, શ્રીનગર, સોનમર્ગે વગેરે સ્થળોએ પણ ફરજ બજાવી છે.

આ બધું વાંચ્યા પછી 2 મિનિટ આંખો બંધ કરીને વિચારજો કે આપણા સૈનિકો કેવી કપરી સ્થિતમાં દેશની સીમાઓનું રક્ષણ કરી રહ્યા છે. આજે ન્યુઝ પેપરમાં વાંચ્યું કે ગયા વર્ષે જ એમબીબીએસ થયેલા ડોકટરોને કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા ફરજ પર બોલાવ્યા તો કેટલાક હાજર થવામાં આનાકાની કરે છે. આ યુવા તબીબોએ ડો.પાર્થિવમાંથી પ્રેરણા લેવા જેવી છે.

મનસુખભાઇ અને નીતાબેનને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા. પોતાના એક માત્ર સંતાનને સેનામાં ડોક્ટર તરીકે જોડવાની અને સિયાચીન જવાની પણ રાજીખુશીથી મંજૂરી આપી. ડો.પાર્થિકના પિતા મનસુખભાઇ તો રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે. એક રાજકારણીનો દીકરો સેનામાં જોડાય દુર્ગમ સ્થળોએ પોતાની સેવા આપે એ જ કેવી આશ્વર્યકારક ઘટના છે !

લેખક : શ્રી શૈલેષ સગપરિયા, એકાઉન્ટ ઓફિસર, રાજકોટ

NO COMMENTS