કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે પખવાડિયા પૂર્વે જે યુવાન મૃત્યુ પામ્યો તેનું મૃત્યુ અકસ્માતમાં નહીં પરંતુ યુવાનને બેફામ માર મારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે યુવતી સાથે સંબંધ હતો તે યુવતીને મળવા ઘરે ગયેલા યુવાનને તેણીના પરિવારજનોએ આંતરી લઈ આડેધડ મારતા યુવાનનું મૃત્યુ થયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
ખંભાળિયા તાલુકાના મોડપર ગામે વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ રામાભાઈ ગાગીયાના ભાઈ ભરતભાઈ ઉંમર વર્ષ 29 ની ગત તારીખ 25મીની રાત્રે કાન પર શેરડી ગામે હીંચકારી હત્યા કરી દેવામાં આવી હતી.
કાનપર શેરડી ગામે રહેતા ભાદરકા પરિવારની અલ્પા નામની યુવતી અને યુવાન વચ્ચે પ્રેમ સંબંધને લઈને યુવાન જે તે રાત્રે મળવા ગયો હતો. પોતાના ઘરેથી વાળું કરીને પોતાની મોટર સાયકલ લઈ ભરત રામા ગાગીયા ઘરેથી નીકળી કાનપર શેરડી પહોંચ્યો હતો. પરંતુ ભરત અલ્પાએ સાથે એક રૂમમાં હોવાની ખબર પડી જતા તેણીના પરિવારજનો એકત્ર થઈ ગયા હતા.
વીરા માલદે ભાદરકા, ખીમાભાઈ માલદેભાઈ ભાદરકા,મેરામણ ઉર્ફે મેરા ભાઈ માલદેભાઈ ભાદરકા, મેરામણ અરજણભાઈ ભાદરકા અને દિનેશ હરદાસભાઇ ભાદરકા નામના શખ્સોએ યુવાનને આંતરી લઈ, લાકડીઓ લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી હાથ પગ છાતીમાં જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી
ત્યારબાદ આરોપી વીરાભાઇએ મૃતકના ભાઈને ફોન કરીને આ બનાવની જાણ કરી હતી જેને લઇને ભાઈ નારણભાઈ સહિતનાઓ મોડી રાત્રે શેરડી ગામે પહોંચ્યા હતા. ત્યાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનને લઈને તેઓ સીધા ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા.
રસ્તામાં એકસીડન્ટ થયું છે એમ દવાખાને વાત કરતા ખાનગી હોસ્પિટલના તબીબો એ પ્રાથમિક સારવાર આપી જામનગર રીફર કરવાની સલાહ આપી હતી. જેને લઈને યુવાનના પરિવારજનોએ યુવાનને જામનગર ખસેડ્યો હતો પરંતુ અર્ધ રસ્તે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
કલ્યાણપુર પોલીસે વીરાભાઇ ભાદરકા, ખીમાભાઈ ભાદરકા, મેરામણભાઇ ભાદરકા, મેરગભાઈ ભાદરકા અને દિનેશ ભાદરકા સામે આઈપીસી કલમ 302 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.