જામનગર : બનાસકાઠાના દાંતીવાડામાં તરછોડી દેવાયેલ ચાર હાથી અંતે જામનગરના હવાલે કરવામાં આવ્યા છે. જામનગરના ટ્રસ્ટ અને ફોરેસ્ટ તંત્ર દ્વારા આ હાથીઓની દેખરેખ રાખવામાં આવશે. બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યા સખ્સો હાથીના પગ બાંધી દાંતીવાળામાં છોડી ચાલ્યા ગયા હતા. જેને લઈને ફોરેસ્ટ તંત્રએ જરૂરી પ્રકિયા બાદ ચારેયને જામનગર ખસેડવા નિર્ણય લેવામાં આવ્યો છે.
હાથી જીવે તો લાખનો અને મરે તો સવા લાખનો…એવી આપણે ત્યાં કહેવત છે પણ અહી જુદો આલમ છે. અહી જીવતા હાથીની વલે થઇ છે. વાત છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના સાતસણ ગામની, અહી સોમવારની મધરાતે કોઈ શખસો ચાર હાથીને બે ટ્રકમાં લાવીને સાંકળથી તેના પગ બાંધીને નાશી ગયા હતા. જેને લઈને સ્થાનિક ફોરેસ્ટ તંત્ર પણ વિસામણમાં મુકાયું હતું અને હાથીઓને મુક્ત કરી સલામતી આપી હતી.
જો કે હાથીને છોડીને નાશી ગયેલ સખ્સો મળે કે ન મળે પણ હાલ હાથીઓને સલામત સ્થળની વધારે જરૂર હોવાથી વન તંત્રએ વિચારણા કરી જામનગર તરફ નજર દોડાવી હતી. જેમાં જામનગરના રાધાકૃષ્ણ ટેમ્પલ એન્ડ એલીફ્રન્ટ વેલફેર ટ્રસ્ટનો સંપર્ક કરી અહી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચારેય હાથીઓને જામનગર તરફ રવાના કરવામાં આવ્યા છે. જો કે હજુ માળા હાથીઓને કોણ છોડી ગયું તેનો તાગ મળ્યો નથી. જામનગરમાં હાથીઓની સાર સંભાળ રાખવામાં આવશે.