જામનગર : કોરોનાકાળને આગળ ધરી સરકારે હોળી તહેવાર નિમિતે જગતમંદિર બંધ રાખવાનો નિર્ણય કરતા વધુ એક વર્ષ માટે ફૂલડોલ ઉત્સવને જાહેરમાં નહી મનાવવા મનાઈ કરી છે. દેવસ્થાન સમિતિના નિર્ણયથી ખફા થયેલ અનેક ભાવિકોએ દ્વારકાની વાટ પકડી છે. આજે જામનગરથી પદયાત્રીઓનો મોટો જથ્થો દ્વારકા રવાના થયો છે. સરકારને તાયફા અને ચૂંટણી આયોજનમાં કોરોનાકાળ નડતો નથી પરંતુ પ્રભુભક્તિમાં લીન થવા આવતા માનવમહેરામણને જ અસર કરે છે એવા તંત્રના દાવા સામે રોષ જતાવી શ્રદ્ધાળુઓએ ફૂલડોલ કુચ શરુ કરી છે.
ભગવાન દ્વારકાધીસ સાથે હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવા દર વર્ષે અનેક ભાવિકો પદયાત્રા કરી દ્વારકા પહોચે છે. સૌરાષ્ટ્ર અને ઉતર-દક્ષીણ અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાંથી દર વર્ષે ભાવિકોનો માનવા મહેરામણ જગત મંદિર સુધી પહોચી પોતાની શ્રદ્ધા ભગવાન દ્વારિકાધીસના ચરણોમાં અર્પણ કરતો હોય છે. ગત વર્ષે કોરોનાની અસર તળે વિક્ષેપ આવ્યો હતો. આ વર્ષે પણ એ જ અસર છે છતાં પણ પ્રભુભક્તિમાં લીન થવા ભાવિકો પોતાને રોકી શક્યા નથી. સરકારના નીયંત્રણોથી જામનગરના ભાવિકો નારાજ થયા છે….મંદિર બન્ધ રાખવાના આ નિર્ણયથી નારાજ ભાવિકોનો એક જથ્થો આજે જામનગર ખાતેથી દ્વારકા તરફ રવાના થયો છે. ઢોલ નગારા અને ડીજેના નાદ સાથે દ્વારકાધીસના ગુણગાન ગાતા આ સંઘે દ્વારકાની વાટ પકડી છે. સંઘના અગ્રણીઓએ દાવો કર્યો છે જો મંદિર બંધ રાખવામાં આવશે તો માત્ર ધ્વજાજીના દર્શન કરી પરત ફરશું પણ ભગવાનમાં રહેલ શ્રધ્ધાને પૂર્ણ કરી સરકારને લપડાક આપશું એમ આહીર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, આહીરસમાજના પ્રમુખ કરશનભાઈ કરમુર, પ્રવીણભાઈ માડમ, દેવશીભાઈ ચેતરીયા સહિતના આગેવાનોએ રોષ જતાવ્યો છે.