જામનગર અપડેટ્સ : જામનગરમાં વધી રહેલી ગુન્હાખોરી અને ભયના વાતાવરણ વચ્ચે પોલીસ દ્વારા છેલ્લા પખવાઠીયાથી હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશન અંતર્ગત આજે પોલીસે જયેશ પટેલ સાથે સંકળાયેલા અને તેના અત્યંત નજીકના સાગરીતો સહિત શહેરના ટોપ લીસ્ટ વાઇટ કોલરોને ઉઠાવી લીધા હોવાનું અત્યંત આધારભૂત સુત્રોમાંથી વિગતો જાણવા મળી છે. એવુ પણ જાણવા મળ્યું છે કે આ તમામની સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધી કાયદાકીય ભરડો વધુ મજબુત કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે.
ત્રણ બિલ્ડર, બે વકીલ અને એક રાજકારણી તથા જયેશ પટેલની ગેંગના સપ્તાહમાં પકડાયેલ સાગરીતો સહીતની સામે આ ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જામનગરમાં છેલ્લા એક પખવાડીયાથી સ્પેશ્યલ એસ.પી. તરીકે નિમણૂંક પામેલ દિપન ભદ્રન દ્વારા જમીન માફિયા જયેશ પટેલના નેટવર્કને નાબૂદ કરવા માટે સ્પેશ્યલ ઓપરેશન હાથ ધર્યુ છે. જે અંતર્ગત જયેશ પટેલના 6 સાગરીતોને ઉઠાવી લેવાયા બાદ આજે મોટી ચહલપહલ સામે આવી છે. જેમાં કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ સહિતના 13 શખ્સો સામે ગુજસીટોક ધારો લગાવાયા બાદ આ તમામ શખ્સોને ઉઠાવી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જયેશ સિવાયના અન્ય 13 શખ્સોને પોલીસે ઉઠાવી લઇ અજ્ઞાત સ્થળે લઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ 13 શખ્સોમાં ગુંડાઓ અને અમુક પ્રતિષ્ઠિીત વાઇટ કોલરો હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે સાંજે ચાર વાગ્યે રાજયના ગૃહપ્રધાન પ્રદિપસિંહ અને રેંન્જ આઇજી જામનગર આવી પત્રકાર પરિષદ સંબંધશે જેમા મોટા ખુલાસા કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.