જામનગર : જામનગરના કુખ્યાત જમીન માફિયા અને ખંડણીખોર જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીને લઈને સરકાર અને પોલીસની વાહવાહી થઇ હતી. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની ખાડે ગયેલ સ્થતિને નાથવા ખુદ સરકારે રસ લઇ કાર્યવાહી કરી હતી. જયેશ પટેલ આણી સામે નોંધાયેલ ફરિયાદ બાદ ૧૨ સખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. અંત્યત શાંત પડી ગયેલ આ પ્રકરણ ગઈ કાલે વધુ એક વખત ચર્ચામાં ત્યારે આવ્યું જયારે પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જસીટ રજુ કરવામાં આવ્યું. ત્રણ હજાર પાનાંના ચાર્જસીટમાં પણ ચોકાવનાર ખૂલાસા થયા છે. ત્યારે હવે જીલ્લા ભરમાં એક જ સવાલ છે કે લંડનમાં પકડાયેલ માફિયા જયેશ પટેલને ક્યારે ભારત લઇ આવવામાં આવે છે.
જામનગરમાં દોઢ દાયકા સુધી જયેશ પટેલે એક બાદ એક જમીન કૌભાંડ આચર્યા હતા. વાંધા-વિવાદ વાળી જમીનમાં હાથ નાખી જયેશ પટેલે અનેક કૌભાંડો આચરી માલેતુજાર બની ગયો હતો.બીજી તરફ કાયદાકીય છટકબારીમાંથી આસાનીથી છૂટી જયેશ એક પછી એક જમીન કૌભાન્ડ આચરી હવે ડોન બનવાના સપના જોવા લાગ્યો. વર્ષ ૨૦૧૫માં જયેશ અને તેની ટોળકીએ જામનગરમાં ૧૦૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું. બસ આ કેસ બાદ જયેશ પટેલ એવો તે ફસાઈ ગયો કે જામીન માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી લાંબુ થવું પડ્યું હતું અને આ તમામ વિટંબ ણાનું મૂળ હતા શહેરના નામાંકિત વકીલ કિરીટ જોશી. આ પ્રકરણમાં જામીન મળ્યા બાદ જયેશે વકીલ કિરીટ જોશીની ભાડુતી માણસો રોકી હત્યા નીપજાવી શહેર છોડી દીધું. આ હત્યા બાદ જયેસ પટેલે શહેરના વેપારી વર્ગમાં એવી તે ધાક ઉભી કરી માલેતુજારો થરથર કાંપવા લાગ્યા. હવે જયેશે જામનગર બહાર બેઠા બેઠા શહેરના વ્હાઈટ કોલરની ગેંગ ઉભી કરી આ માલેતુજારો પાસેથી ખંડણી વસુલવી શરુ કરી રાજકીય નેતા, પોલીસ અને બિલ્ડર તેમજ ક્રાઈમ હિસ્ટ્રી ધરાવતા સખ્સોની ગેંગ બનાવી ત્રણ વર્ષમાં એવી તે ધાક જમાવી કે માલેતુજારોએ કરોડો રૂપિયાની ખંડણી જયેશ પટેલને હવાલે કરી દિવસેને દિવસે જયેશના વધતા જતા પ્રભાવ બાદ સરકાર જાગી અને શરુ થયું ઓપ્રેસન જયેશ પટેલ.
સરકારે જયેશ પટેલને નાથવા માટે પ્રથમ એસપી તરીકે દીપન ભદ્રનની નિમણુક કરી સ્પસ્ટ સંકેત આપ્યા કે હવે જયેશ પટેલની ખેર નથી. એસપી ભદ્રને પોતાની ટીમના સભ્યોને રાજ્યભરમાંથી જામનગરમાં બોલાવી લઇ શરુ કર્યું ઓપરેશન જયેશ પટેલ, પોલીસે જયેશ પટેલનું નેટવર્ક સંભાળતા ભાજપના પૂર્વ નગરસેવક, પૂર્વ પોલીસકર્મી, બિલ્ડરો અને વકીલ સહિતનાઓ સામે ગુજ્સીટોક હેઠળ કાર્યવાહી કરી બાદ સસ્ખ્સોને જેલ ભેગા કર્યા, પરંતુ જયેશ પટેલ હાથ ન લાગ્યો તે ન જ લાગ્યો. અંતે જયેશ પટેલે જે ભાડુતી માણસો પાસે વકીલની હત્યા કરાવી હતી તે ત્રણ સખ્સોને પશ્ચિમ બંગાળથી ઉઠાવી લીધા. આ ત્રણેય સખ્સોને ઉઠાવી લીધાના દિવસે જ વધુ એક સારા સમાચાર લંડનથી આવ્યા. લંડન પોલીસે પણ જયેશ પટેલને દબોચી લીધો. બસ હવે આ ગેંગનો અસ્ત નજીકમાં છે એમ પોલીસ માની રહી છે.
જામનગરની ગેંગ પાસેથી પોલીસે ખંડણી પેટે ઉઘરાવેલ પાંચ કરોડની રકમ રીકવર કરી છે. અને સમગ્ર રેકેટનો મુખ્ય સુત્રધાર જયેશ પટેલ હોવાનું પોલીસે ચાર્જસીટમાં સ્પષ્ટ કર્યું છે. પોલીસે ગઈ કાલે રાજકોટની સ્પેસ્યલ કોર્ટમાં ૩ હજાર પેજનું ચાર્જસીટ રજુ કર્યું છે. આ ઉપરાંત જયેશ પટેલ કેટલા માલેતુજારોને શિકાર બનાવ્યા તેમજ ખંડણી ક્યાં રૂટ-ચેનલથી વસુલી નિયત સ્થળે પહોચતી કરવામાં આવતી આ તમામ બાબતોને ચાર્જસીટમાં વણી લેવામાં આવી છે.
જયેશ પટેલ સામે હાલ લંડન પોલીસ ગેર કાયદેસર દેશમાં પ્રવેશ અને ફર્જી પાસપોર્ટ સબંધે કાર્યવાહી કરી રહી છે. આગામી સપ્તાહે આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે હાલ જામનગરમાં એક જ સવાલ પ્રબળ બન્યો છે કે જયેશ પટેલને ક્યારે ભારત લઇ આવવામાં આવશે ? સુત્રોનું માનવામાં આવે તો જયેશ પટેલને ભારત લઇ આવવાનો માર્ગ તૈયાર થઇ ગયો છે…બંને દેશ વચ્ચે તમામ ચર્ચાઓ પૂર્ણ થઇ ચુકી છે. અન્ય કોઈ કાયદાકીય કારણ ન સામે આવે તો જયેશ પટેલ આગામી સપ્તાહે જામનગર પોલીસની કસ્ટડીમાં હશે. ત્યારે જામનગરની જનતા પણ એવી આસ રાખીને બેસી છે કે કોઈ કાયદાકીય અડચણ હવે ન આવે.