જામનગર અપડેટ્સ: 7 મી ડિસેમ્બરની દર વર્ષે સશસ્ત્રસેના ધ્વજ દિવસ તરીકે સમગ્રદેશમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સામાજિકસંસ્થાઓ, સરકારી કે ખાનગીએકમો અથવા વ્યક્તિગતરીતે પણ નિવૃત્ત સેનાના પરિવારજનોને આર્થિક અનુદાન આપી મદદરૂપ થવાનો સૌને અવસર મળે છે.જામનગરમાં આજેકલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઉપરોક્ત તમામે 41 લાખ જેટલી માતબર રકમનું અનુદાન આપી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે
આજે યોજાયેલ આ કાર્યક્રમમાં સેનાના નિવૃત્ત જવાનો તથા તેમના પરિવારજનોને મદદરૂપ થવા છેલ્લા 10 વર્ષથી સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરી જામનગરને અનુદાન આપતા જામનગરના નિવૃત્ત શિક્ષિકા સ્વ.રંજનબેન શાહની ભારતીય સૈનિકો અને તેમના પરિવારજનો પ્રત્યેની લાગણી અને આદર ઊડીને આંખે વળગે તેવો જોવા મળ્યો. રંજનબેનના પ્રપૌત્ર નેહલ શાહ આ અંગે જણાવે છે કે રંજનબેન હાલ હયાત નથી તેઓનું ગત તા.24/01/2024 ના રોજ અવસાન થયું છે. પરંતુ તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પોતાની બચત અને પેન્શનમાંથી દર વર્ષે અચૂક ₹50,000 જેટલી રકમનું અનુદાન સશસ્ત્રસેના દિવસે આપતા રહ્યા. ગત વર્ષે તેઓની તબિયત નાદુરસ્ત થતાં તેઓએ સમગ્ર પરિવારને બોલાવી અને આગ્રહ પૂર્વક જણાવ્યું કે હું આગામી સમયમાં રહું કે ન રહુ પરંતુ તમારે સૌએ દર વર્ષે 7મી ડિસેમ્બરે અચૂક સેના દિવસમાં ફાળો આપી ભારતીય સેના અને તેમના પરિવારોને મદદરૂપ થવાનું છે.તેમની આ લાગણીનો અમે સૌએ સહર્ષ સ્વીકાર કર્યો અને આજે યોજાયેલ કાર્યક્રમમાં અમારા પરિવારના સભ્ય અને રંજનબેનના પુત્રવધુ હીનાબેન ભરતકુમાર શાહ અને પૌત્રવધુ દ્રષ્ટાબેન નેહલકુમાર શાહે 51-51 હજાર મળી કુલ રૂ.1.2 લાખનું અનુદાન આપી રંજનબેને પ્રગટાવેલ સેવાની જ્યોતને બરકારાર રાખવાનો તેમજ સૈનિકોના પરિવારજનોને મદદરૂપ થઇ અમારા દાદીમાને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે.