સલામ: ૯૫ વર્ષે રોજ ૧૩૦ કિમી અપડાઉન કરી આ પ્રોફેસર ભણાવે છે વિદ્યાર્થીઓને

0
1274

બંને હાથમાં લાકડી લઈને ચાલતા આ વૃદ્ધાનું નામ પ્રો. શાંતમ્મા છે. ૯૫ વર્ષના શાંતમ્મા આજે પણ પૂરા ઉત્સાહ સાથે આંધ્રપ્રદેશની સેન્ચૂરીયન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ફિઝિક્સ ભણાવે છે. આ ઉંમરે પણ પ્રો. શાંતમ્મા વિશાખાપટ્ટનમથી ૬૫ કિલોમીટર દૂર આવેલા વિજયનગરમાં બસ દ્વારા મુસાફરી કરીને ભણાવવા માટે જાય છે એટલે કે રોજના ૧૩૦ કિલોમીટરનો પ્રવાસ કરે છે.

લાકડી લઈને ચાલતા શાંતમ્મા વર્ગ ખંડમાં એક હાથથી લાકડી પકડે છે અને બીજા હાથથી બોર્ડવર્ક કરીને ઊભા ઊભા ભણાવે છે. આ ઉંમરે પણ અવાજ એટલો સ્પષ્ટ છે કે છેલ્લી બેંકના વિદ્યાર્થીને પણ સ્પષ્ટ સંભળાય. વિદ્યાર્થીઓને પણ એમની પાસે ભણવાની બહુ મજા આવે છે કારણકે શાંતમ્મા હસતા-હસાવતા ભણાવે છે અને વિષયના નવા પ્રવાહોથી સંપૂર્ણ પણે વાકેફ હોય છે. તેઓ સમયાંતરે અમેરિકા, બ્રિટન અને સાઉથ કોરિયાની યુનિવર્સિટીમાં પણ વિઝીટિંગ ફેકલ્ટી તરીકે ત્યાંના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જાય છે. શાંતમ્માના માર્ગદર્શન હેઠળ ૧૭ વિદ્યાર્થીઓએ Ph.D.ની પદવી મેળવી છે. ૧૯૫૧માં પ્રોફેસર તરીકે નોકરીમાં જોડાયેલા શાંતમ્મા ૧૯૮૯માં સેવા નિવૃત્ત થઈ ગયા પરંતુ નિવૃત્તિના ૩૪ વર્ષ બાદ પણ તેઓ આજે યુવાનોને શરમાવે એવા ઉત્સાહ અને ઊર્જા સાથે કાર્યરત છે.

તેઓ આ ઉંમરે ભણવા ઉપરાંત પોતાના વિષયમાં સંશોધન કરીને જુદા જુદા સંશોધન પેપર પણ રજૂ કરે છે અને અત્યારે વિદ્યાર્થીઓ માટે ૨ પુસ્તકો પણ લખી રહ્યા છે. પ્રો. શાંતમ્મા કહે છે કે ‘ જો તમારે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો શરીર સાથ આપે ત્યાં સુધી તમને ગમતા કાર્યમાં જોડાયેલા રહો. કામ કરતા રહેશો તો શરીર અને મન બંને સ્વસ્થ રહેશે.’

શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્મયોગ વિશે ઘણું વાંચ્યું કે સાંભળ્યું હશે પણ પ્રો. શાંતમ્મા જીવંત કર્મયોગ છે જે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.

લેખક: સૈલેશ સગપરીયા, લેખક મોટીવેશનલ સ્પીકર છે અને સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે)

NO COMMENTS