જામનગરમાં સાળીની હત્યા નિપજાવનાર આરોપી બનેવીનો પ્લાન પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવનાર અન્ય શખ્સની પણ હત્યા નિપજાવવાનો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી જ બન્નેની હત્યા કરવા જામનગર આવ્યો હતો. સાથે ત્રણ ધારદાર છરા લઇ બન્નેને વેતરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ સાળીની હત્યા બાદ આરોપી સદામ સુધી પહોંચે તે પૂર્વે જ પોલીસે તેને ઉઠાવી લીધો હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી ત્રણ છરી, હત્યા સમયે પહેરેલ કપડા કબ્જે કર્યા છે.
જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે એસટી ડિવિઝન સામે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં આરોપી ફિરોઝ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજીએ પોતાની સગી સાળી શકીમા પર ધારદાર છરાથી હુમલો કરી ઉપરાઉપરી ઘા મારી કરપીણ હત્યા નિપજાવી હતી. દરમિયાન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. જેમાં આરોપી ધરારનગર વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જુહાપુરા અમદાવાદમાં રહેતો આ શખ્સ બેવડી હત્યા નિપજાવવા જામનગર આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
પોતાની રિસામણે બેસેલ પત્નીને મૃત્તક સાળી ચડાવતી હોવાથી તેની અને પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાથી સદામ નામના શખ્સની હત્યા કરવાનો પ્લાન હતો. સાળીને પતાવી દીધા બાદ આ શખ્સની હત્યા કરવાની હતી. અમદાવાદથી જ આરોપી બન્નેની હત્યા કરવા માટે ત્રણ ધારદાર છરા લઇ આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ત્રણેય છરા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. એમ.જે.જલુના માર્ગદર્શના હેઠળ સિટી એ ડિવિઝનના સ્ટાફે પાર પાડી હતી.