સુખાંત : સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ શરુ થશે પણ બંધ કેમ થયું હતું ? આવો હતો વિવાદ

0
833

જામનગર : જામનગર જિલ્લા ના સચાણા  માં આવેલો ગુજરાત મેરી ટાઈમ બોર્ડ નો શિપ બ્રેકિંગ યાર્ડ ગુજરાત હાઇકોર્ટની સૂચના મુજબ રચવામાં આવેલી હાઈ પાવર કમિટીએ આપેલી ભલામણો ના આધારે પુનઃ કાર્યરત થશે. આઠ વર્ષ પૂર્વે ધમધમતું બંદર બંધ થઇ ગયું. પણ કેમ બંધ થઇ ગયું હતું બંદર ? કેવો હતો વિવાદ ?

જામનગર નજીક જોડિયા રોડ પર આવેલ સચાણા નાના અને મધ્યમ કદના જહાજોને બ્રેકિંગ (ભાંગવા)  માટે યોગ્ય બંદર હતું. જે વર્ષ ૧૯૭૭થી કાર્યરત થયુ હતું. પરંતુ જે જગ્યાએ બ્રેકીંગ યાર્ડ શરુ થયું હતું તેની જમીન બાબતે વિવાદ શરુ થયો હતો. દરિયા કિનારે આવેલ જમીનના એક ભાગની માલિકી હક અંગે આ જગ્યા દરિયાઇ અભયારણ્યમાં આવે છે કે જીએમબીની હદમાં ? આ બાબતે વિવાદ શરુ થયો હતો. બંને તંત્રની માલિકીનો વિવાદ છેક હાઈકોર્ટ પહોચ્યો હતો. દરમિયાન વન વિભાગ દ્વારા આ જમીનના દરિયાઇ અભયારણ્ય માટેના રજૂ થયેલા દાવાને કારણે ગુજરાત હાઇકોર્ટે તા: ૧૧/૫/૨૦૧૨ના રોજ આદેશ આપેલ કે જ્યાં સુધી ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અથવા સંબંધિત મંત્રાલય અથવા સક્ષમ ઓથોરિટી દ્વારા યોગ્ય મંજૂરી મેળવવામાં નહીં આવે ત્યાં સુધી અને આમાં કોર્ટ દ્વારા આગળના હુકમ પસાર ન થાય ત્યાં સુધી સચાણા ખાતે જહાજ તોડવાની કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી નહીં.

દરમ્યાન હાઇકોર્ટના પ્રોસીડીગ્સ બાદ કરેલ તા: ૧૯/૨/૨૦૨૦ના હુકમ મુજબ સંબંધિત પક્ષકારોને રાજ્ય સરકારે તેની હાઇ પાવર કમિટિ સમક્ષ સાંભળવાની તક આપી હતું. જેમાં પક્ષકારોને સાંભળીને રાજ્ય સરકારે સચાણા ખાતે ડી.એલ.આઇ.આર દ્વારા વન વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સચાણા ગામની હદની માપણી કરી હતી. આ બાબતે ફરીથી હાઇ પાવર કમિટિની મીટીંગમાં રીપોર્ટને રજુ કરવામાં આવ્યો હતો. જેમાં એવું ફલિત થયું છે કે સચાણા ગામની સીમા, તથા  ૨૦૧૨ થી  બંધ કરવામાં આવેલ આ શિપ બ્રેકિંગ પ્લોટ્સ વન વિભાગના અનામત જંગલના સેક્શન-૪ અને મરીન અભયારણ્યના હદની બહાર આવે છે. તેથી હવે સરકારની હાઇ પાવર કમિટિએ આ જગ્યા ગુજરાત મેરીટાઇમ બોર્ડની હદમાં આવતી હોઇ શિપ બ્રેકિંગ યાર્ડ પુન: ચાલુ કરવા માટે બોર્ડને પરત સોંપવાનું નક્કી કર્યું છે.

 આના પરિણામે  સચાણા ખાતે આ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલા આ પ્લોટ્સ સલામતી, આરોગ્ય અને પર્યાવરણીય ધોરણોનું પાલન કરતી શિપ બ્રેકિંગ કોડ-૨૦૧૩ ની જોગવાઈ મુજબ ફરીથી શરૂ કરવામાં આવશે. આ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પુન: ચાલુ થતા આ વિસ્તારની સમગ્ર આર્થિક ગતિવિધીઓને વેગ મળશે તેમજ આશરે ૧૦૦૦૦ જેટલા લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારને પ્રોત્સાહન પણ મળવાની આશાઓ બંધાઈ છે.

NO COMMENTS