જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લો બોકસાઇટ ખનીજ માટે ખ્યાતનામ છે, સાથે સાથે આ જ ખનીજની ચોરીને લઈને પણ એટલો જ વગોવાયો પણ છે. ભૂતકાળમાં અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ખનીજ માફિયાઓ મેદાન છોડતા જ નથી. આજે રેંજ પોલીસે કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે દરોડો પાડી ઉત્ખન્ન કરતુ મોટું મશીન, ચાર ડમ્પર અને આઠ સખ્સોને કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરતા પકડી પાડ્યા છે. તો બીજી તરફ આ જ તંત્ર સામે ખનીજ માફિયાઓની નજદીકિયાને લઈને રેડ પડયાના બીજા જ દિવસે સબ સલામત થઇ જાય છે અને ફરી એ જ ખનીજ ચોરીનો દોર શરુ થઇ જાય છે. જાણકારોનું માનવામાં આવે તો, વહીવટી તંત્ર હોય કે ખાણ ખનીજ તંત્ર કે પછી પોલીસ તંત્ર હોય, કલ્યાણપુર પંથકમાં સમયાંતરે રેઇડ પાડે જ છે પણ માત્ર દેખાવ પુરતી જ કામગીરી કરી હોય તેમ એકાદ કેસ કરી નાખે છે પછી મીઠી નજર હેઠળ બધું ચાલ્યા જ રાખે છે. ત્યારે સૌથી પહેલી શકા પોલીસ સામે જ જાય છે. કારણ કે વર્દી પર લાગેલા દાગ સાબિતી આપે જ છે કે દ્વારકા પોલીસ દુધે ધોયેલ નથી જ, ભૂતકાળ ગવાહી આપે છે કે કલ્યાણપુર પોલીસના ખનીજ ચોરી પ્રકરણમાં મેલી મુરાદ હતી જ, ત્યારે સવાલ એ થાય છે કે છેલા પખવાડિયાના ગાળામાં રેંજ પોલીસની સતત કલ્યાણપુર તરફની નજર અને સ્થાનિક પોલીસના આંખ આડા કાન, શું સાબીત કરે છે ? એકાદા વર્ષ પૂર્વે ખનીજ માફિયાઓ સાથેની સાંઠગાઠ અને રાજકારણ વચ્ચે એક વહીવટદાર પોલીસકર્મીની નોકરી ગોટાળે ચડી ગઈ હતી. ત્યારે સવાલ એ છે કે ૨૦૦ કિમી દુર રેંજ પોલીસને ખનીજ ચોરીની હકીકત મળી જાય છે ત્યારે દસ જ કિમીના અંતરે રહેલ સ્થાનિક પોલીસની આંખે કેમ મોતિયો આવી ગયો છે ? કે પછી બધું સમુંસુતરું જ છે પણ રેંજ પોલીસ સુધી ભૂતકાળની જે હપ્તા સીસ્ટમ છે તે પહોચતી નથી ? નક્કરતા જે પણ હોય તે, એક વાસ્તવિક્તા તો છે જ કે વર્તમાન સમયમાં પણ બોકસાઈટ ચોરી તો થાય છે અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડાઈ રહ્યો છે. એ પણ મસ મોટો પગાર લેતા સરકારી પગારદારોની હાજરીમાં જ.