સબંધની હત્યા : પુત્રએ માતા અને બેનને પતાવી દીધા, કારણ છે ક્ષુલ્લક

0
961

જામનગર અપડેટ્સ : આજકાલ સામાજિક સબંધોમાં આછપ આવી રહી છે. કુટુંબ સતત વિભક્ત થઇ રહ્યા  છે. પિતા-પુત્રો, ભાઈઓ-ભાઈઓ વચ્ચે સંબંધના દરિયામાં ઓટ આવી રહી છે, નાની નાની બાબતે એક બીજાને પતાવી દેવા તૈયાર થઇ જતા કુટુંબીજનો દરરોજ પ્રસાર પ્રચાર માધ્યમોમાં છવાતા રહે છે ત્યારે આવો જ સબંધની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં પણ લોહીના સબંધ ધરાવતા પરિવારની દાસ્તાન છે ગઈ કાલ સુધી હસતા રમતા પરિવારમાં રાત્રે ખૂની ખેલ ખેલાતા પરિવારનો માળો પલ વારમાં વિખેરાઈ ગયો છે. સામાન્ય બાબતે પુત્રએ માતા અને તેની સગી બેનને ધારદાર હથિયારના ઘા મારી પતાવી દેતા વધુ એક સબંધની હત્યાનો બનાવ સામે આવ્યો છે.

આ વારદાત બની છે મોરબી જીલ્લામાં, જેમાં જીકીયારી ગામે રહેતા યુવાન દેવશીભાઈએ ગત રાત્રીના પોતાના માતા કસ્તુરબેન અને બહેન સંગીતા ભાટિયા સામે બોલાચાલી કરી, ઉસ્કેરાઈ જઈ ધારદાર હથીયારથી હુમલો કર્યો હતો. આરોપી ભાઈએ ધારદાર ધારિયું હાથમાં લઇ બેન અને માતા પર તૂટી પડ્યો હતો. જેમાં બંન્નેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. જોત જોતામાં માતા અને બેન ઘરે જ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. આ બનાવને અંજામ આપી આરોપી દેવશી નાશી ગયો હતો. બીજી તરફ મૃતક કસ્તુરબેનના ભત્રીજાએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોચી બંને મૃતદેહ કબજે કરી આરોપી સામે ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો હતો. માતા કસ્તુરબેન અને પુત્રી સંગીતા વચ્ચે રાત્રે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં બંનેએ રસોઈ નહી બનાવતા પુત્ર ગુસ્સે થયો હતો અને હુમલો કરી દીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે આરોપીને પકડી પાડવા સહિતની આગળની કાર્યવાહી શરુ કરી છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

NO COMMENTS