ગત સપ્તાહ સુધી પોતાના હર્યાભર્યા પરિવારમાં પારિવારિક જવાબદારી નિભાવતા ડોક્ટર તૃષાબેન શૈલેશભાઈ મહેતાનો દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. પુરપાટ દોડતી કારના ચાલકે ઠોકર મારતા પહોચેલ ગંભીર ઈજાના કારણે બ્રેઈનડેડ થયેલ તૃષાબેનના પરિવારે તેણીના અંગદાન કરી પાંચ વ્યક્તિઓના જીવનમાં નવું કિરણ આપ્યું છે. કાળજું કંપાવી દે તેવી આ ઘટનામાં સૌથી ગંભીર અને અફસોસ કરાવતી બાબત એ છે કે જેના થકી આવો કરુણ ઘટનાક્રમ થયો તે કાર ચાલકનો કોઈ પતો જ નથી.
જામનગરના પીએચડી પદવી ધારક તૃષાબેનને અજ્ઞાત કાર ચાલકે જોરદાર ઠોકર મારતા તેણીની બ્રેઈન ડેડ જાહેર થયા હતા. ખાનગી બેંકમાં નોકરી કરતા તેણીના પતિ શૈલેશભાઈ સહિતના પરિવારે તેણીના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો, બીજી તરફ આ કરુણ બનાવ જેના સર્જાયો તે કાર ચાલકનો કોઈ પતો નથી જેને લઈને શહેરીજનો સાથે પરિવારે એસપી કચેરીએ પહોચી કાર ચાલકને શોધી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
એક માસુમ પુત્રના માતા બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારમાં ચિંતા સાથે શોક છવાયો છે. હસતા રમતા પરિવારમાં તૃષા ક્યારેય પરત નહી ફરે એવો તબીબી અભિપ્રાય બાદ પરિવારે ભારે હૃદયે તેણીના અંગોનું દાન કરવાનો પ્રેરણાત્મક નિર્ણય લીધો, બીજી તરફ આવી કરુણ ઘટનાનો ભોગ કોઈ અન્ય પરિવાર ના બને તે હેતુથી પરિવારે સાથે ભોય સમાજના ભાઈઓ બહેનોં-શહેરીજનો જોડાયા હતા અને એસપી સમક્ષ રૂબરૂ પહોચી વેદના ઠાલવી, નાશી ગયેલ કાર ચાલકને શોધી કાયદાકીય પાઠ ભણાવવા અપીલ કરી હતી.
ગઈ કાલે રાત્રે બ્રેઈનડેડ તૃષાબેનના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. અમદાવાદની તબીબી ટીમ દ્વારા લીવર અને બંને કીડની તેમજ જીજી હોસ્પિટલના આંખ વિભાગની તબીબી ટીમે બંને આંખ, સ્કીન બેંક ઓફ રાજકોટની ટીમે સ્કીનનું ઓપરેશન કર્યું હતું. અગાઉથી જ ગ્રીન કોરીડોરની રચના કરી અમદાવાદની ટીમ લીવર અને બંને કીડની સાથે પરત અમદાવાદ ફરી છે.
ભોગગ્રસ્ત પરિવારનો હસતો રમતો માળો વિખેરાઈ ગયો, છતાં પણ ધન્ય છે એ પરિવારને કે તેઓએ ભારે હૃદયે પરિસ્થિતિનો સ્વીકાર કરી અંગોનું દાન કર્યું, આ બનાવ અંત્યત દુખદ અને કરુણાસભર છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે પોલીસે અકસ્માત નીપજાવી નાશી ગયેલ વાહન ચાલકને શોધી સમાજમાં દાખલો બેસાડવો જ રહ્યો,