કાયદો અને વ્યવસ્થા શુદ્રઢ બનાવવા માટે સમયાંતરે તંત્ર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે, આવું જ એક જાહેરનામું દિવાળીના તહેવારને લઈને જિલ્લા પ્રશાસન બહાર પાડતું હોય છે. જે જાહેરનામાનો ભંગ કરનાર કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના એક શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે આ યુવાનનો વાંક એટલો જ કે તે જાહેરમાં ફટાકડા ફોડતો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે દિવાળીના તહેવારમાં એક વિચિત્ર કહી શકાય તેવો ગુનો સામે આવ્યો છે. દિવાળીની રાત્રે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં સરકારી બસો આવતી જતી હતી ત્યારે રાહદારીઓને અગવડ ઊભી થાય અને ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થાય એ રીતે એક શખ્સ ફટાકડા ફોડતો હોવાની પોલીસને ફરિયાદ મળી હતી.
જેને લઈને પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. જેમાં રાત્રે આઠેક વાગ્યે લખમણભાઇ રાજુભાઈ જમોડ નામનો રાહદારી લોકોને અગવડ થાય અને ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તે રીતે ફટાકડા ફોડતા પકડાઈ ગયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 13 10 ના રોજ ફટાકડા ફોડવા સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું આ જાહેરનામાનો ભંગ કરનાર લખમણભાઇ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીના કબજામાં રહેલા ફટાકડા તેના મિત્ર કાનાભાઈ ગામીને આપીને આરોપીની ધોરણસર અટકાયત કરી હતી.