ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓનો વાર્ષિક કરાર જાહેર કર્યો છે. આ કરાર વર્તમાન વર્ષથી લાગુ રહેશે. BCCI દર વર્ષે ખેલાડીઓને A+, A, B અને C નામની ચાર શ્રેણીઓમાં વિભાજિત કરે છે. વિશ્વપ્રસિદ્ધ ક્રિકેટર વિરાટ કોહલી રોહિત શર્મા અને જસ્મીત બુમરાહ બાદ એ પ્લસ શ્રેણીમાં હાલારના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પ્રવેશ મેળવ્યો છે. ઇજામાંથી બહાર આવ્યા બાદ રવિન્દ્રએ ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે રમાયેલ ટેસ્ટ અને વન ડે સિરીઝમાં જોરદાર પ્રદર્શન કર્યું છે.
બીસીસીઆઈ દ્વારા ક્રિકેટર્સ માટે ચાર શ્રેણીઓ નક્કી કરી છે.આ શ્રેણીઓ અનુસાર A+માં ખેલાડીઓને 7 કરોડ, Aમાં 5 કરોડ, Bમાં 3 કરોડ અને Cમાં 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ વર્ષે A+ કેટેગરીમાં રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી થઈ છે.
A+માં કયા ખેલાડીએ પ્રવેશ કર્યો?
દર વખતની જેમ BCCIએ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને વાર્ષિક કરારની A+ શ્રેણીમાં સ્થાન આપ્યું છે. આ ખેલાડીઓને ગયા વર્ષે પણ આ જ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે આ કેટેગરીમાં એક નવું નામ પણ ઉમેરાયું છે. આ નામ રવિન્દ્ર જાડેજાનું છે. જાડેજા ગયા વર્ષ સુધી ખેલાડીઓની A શ્રેણીમાં આવતા હતા અને તેમને BCCI તરફથી વાર્ષિક રૂ.5 કરોડ મળતા હતા. પરંતુ હવે આ ચાર ખેલાડીઓને BCCI તરફથી 7 કરોડ રૂપિયા પગાર મળશે.