જામનગર અપડેટ્સ : જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ સ્કુલ અને હેપ્પી વુમન્સ ટ્રસ્ટના નેજા હેઠળ શાળાના બાળકોમાં આધ્યાત્મ અને સંસ્કારનું સિંચન થાય તે હેતુથી શાળામાં ગીતાજીનું અધ્યયન કાર્ય શરુ કરવામાં આવ્યું છે. મરજિયાત વિષય રૂપે જ શીખવવામાં આવનાર ગીતા જ્ઞાન ખાલી તાસ પુરતું માર્યાદિત નહી રાખતા પરીક્ષા પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી મૂલ્યાંકન કાર્ય પણ થઇ શકે.
શિક્ષણમાં અધ્યાત્મને જોડવાનું કામ જામનગરના ટ્રસ્ટ અને એક શાળાએ આરંભ્યું છે. ભૂલકાઓમાં બાળપણથી જ ગીતાજીના જ્ઞાનનો ઉજાસ ફેલાય અને સંસ્કારોનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી હેપ્પી વુમન્સ ટ્રસ્ટના પ્રમુખ અને કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, મંત્રી નેહાબેન જાદવ, દક્ષાબેન વાડોલીયા, રંજનબેન ગજેરા, સુભાષભાઈ ગુજરાતી, મહેશભાઈ, સિદ્ધનાથ શાળાના આચાર્ય પીયુષભાઈ પરમાર, નવ જીવન વિદ્યા ટ્યુશન ક્લાસના હિતેશભાઈ રાઠોડ દ્વારા આ ભગીરથ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. સિદ્ધનાથ શાળાના આચાર્ય શાળાના બાળકોએ ગીતાજીના અધ્યાય ખુબ જ સરળ અને સચોટ ભાષાશૈલીમાં શીખવશે, એક અધ્યાય પૂરો થયા બાદ આ જ અધ્યાયની પરીક્ષા લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ નવતર પ્રયોગને વાલીઓએ પણ વધાવ્યો છે. ટ્રસ્ટ અને શાળા દ્વારા પ્રાયોગિક ધોરણે શરુ કરવામાં આવેલ ગીતા જ્ઞાનના આ તાસને અન્ય શાળાઓ પણ દાખલ કરે તો સકારાત્મક પરિણામ મળી શકે.