જામનગર : દિલ્લીથી અમદાવાદ આવતી કારને રાજસ્થાન પોલીસે ડુંગરપુર જીલ્લાની છીન્દાવાદ બોર્ડર પર રોકાવી તલાસી લેતા તેની અંદરથી ચોર ખાનામાં છુપાવેલ રૂપિયા સાડા ચાર કરોડની રોકડ રકમ મળી આવી છે. પાટણ અને ઊંજાના બંને સખ્સો અમદાવાદ આવી રહ્યા હોવાનું સામે જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં રાજસ્થાન પોલીસ ઉપરાંત આઈટી અને ઇડીએ પણ ઝંપલાવ્યું છે.
ગુજરાત અને દિલ્લીને સાંકળતા હવાલા કૌભાંડનો રાજસ્થાન પોલીસે ભાંડાફોડ કર્યો છે. રાજસ્થાન-ગુજરાતની બોર્ડર પાસે આવેલ ડુંગરપુર જીલ્લાની બીછીવાડા પોલીસે રતનપુર બોર્ડર પર કોરોના સબંધિત ચેકિંગ કાર્યવાહી દરમિયાન દિલ્લી પાર્સીંગની એક કાર રોકી લીધી હતી. જેમાં એક ચોર ખાનું મળી આવ્યું હતું. હર હમેશની જેમ ગુજરાત જતા વાહનોમાં ગેરકાયદેસર દારુની હેરાફેરી આવી રીતે થાય છે. દારૂની શંકાએ પોલીસે કાર ચાલક પાસે આ ખાનું ખોલાવ્યું, ચોર ખાનાનું તાળું ખુલતા જ પોલીસને હાથ ખજાનો લાગી ગયો હતો. કારના આ ખાનામાંથી એક પછી એક એમ રૂપિયા ૫૦૦ અને બે હજારની કીમતના રૂપિયાના બંડલો મળી આવ્યા હતા. જેને લઈને રાજસ્થાન પોલીસે પાટણના રણજીતસિંહ રૂપચંદ રાજપૂત અને ઊંજાના નીતિન છગન પટેલ નામના બંને સખ્સોની અટકાયત કરી પૂછપરછ કરી હતી.
નાણાની ગણતરી માટે મસીન મંગાવી પોલીસે નાણાની ગણતરી કરાવી હતી. જેમાં કુલ રૂપિયા ૪ કરોડ ૪૯ લાખ ૫૦૦ પુરા હોવાનું સામે આવ્યું હતું. આ નાણા દિલ્લીથી અમદાવાદ ખાતેની પાર્ટીને પહોચાડવાના હોવાની હકીકત બંને સખ્સોએ કબુલી હતી. અમદાવાદ પહોચતા દિલ્લીથી ફોન આવ્યે જે તે વ્યક્તિને રૂપિયા પહોચતા કરવાના હોવાનું બંને સખ્સોએ કબુલ્યું છે. જેને લઈને આ નાણા હવાલાના હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન પોલીસ ઉપરાંત આ પ્રકરણમાં આઈટી અને ઇડીએ પણ ઝંપલાવી બંને સખ્સોનો કબજો મેળવવા પ્રયાસ શરુ કર્યા છે.