જામનગર : દુબઈમાં થોડા વર્ષોથી સ્થાઈ થયેલા મૂળ જામનગરના હિરેન અઢિયા અને તેના પત્ની પર તાજેતરમાં દુબઇ ખાતેના નિવાસ સ્થાને કોઈ અજાણ્યા શખ્સે હુમલો કરી દંપતીની કરપીણ હત્યા નિપજાવી હતી. મૂળ જામનગરનો પરિવાર જામનગરથી બરોડા શિફ્ટ થયા બાદ દુબઈમાં ધંધા અર્થે સ્થાઈ થયો હતો. શારજાહની એક ઓઇલ કંપનીના ડીકરેક્ટર તરીકે કાર્યરત હિરેન અઢિયાએ ટૂંકાગાળામાં મોટી પ્રગતિ કરી હતી.
ગત તા.૧૮ના રોજ ચોરી કરવાના ઇરાદે બંગલામાં ઘુસેલા શખ્સે બેડરૂમમાં પ્રવેશ કરતા દંપતી જાગી ગયું હતું. જેને લઈને આરોપીએ હુમલો કરી પ્રથમ હિરેનભાઈ ત્યારબાદ તેની પત્ની વિધીબેનની છરી વડે તરપીણ હત્યા નિપજાવી હતી. આ ઘટના સમયે તેની બીજાં રૂમમાં સુતેલી પુત્રી જાગી જતા તેની પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો. જેમાં ૧૮ વર્ષની પુત્રીને પણ ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ સ્થાનિક પોલીસે તાપસ હાથ ધરી હતી. જેમાં મૂળ પાકિસ્તાનના અને હાલ ત્યાં મજૂરી કામ કરતા એક પાકિસ્તાની શખ્સની સંડોવણી ખુલવા પામી હતી. સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરી હતી જેમાં દોઢેક વર્ષ પૂર્વે આરોપી હિરેનભાઈના બંગલામાં મેઇન્ટેનન્સ કામ કરવા આવ્યો હતો ત્યારે તેની જાહોજલાલી જોઈ આ પ્લાન ઘડ્યો હોવાનું કબૂલ કર્યું હતું.