પાન-મસાલાનું જાહેરનામું, તંત્રની છોકરમત, નથી રમવું જા

0
615

જામનગર : કોરોનાકાળના પ્રથમ તબ્બ્ક્કામાં વહીવટી તંત્રએ જે કામગીરી કરી છે એ કામગીરી ક્યારેય ન વિશરી શકાય પણ લોકલ સંક્રમણકાળમાં છોકરમત જેવા નિર્ણયોને પણ ક્યારેય વિસરી નહી શકાય, એક વખત હતો જયારે રાજયના અન્ય જિલ્લાઓમાં કોરોના વાયરસ અજગરની જેમ ભરડો લેતો થતો હતો ત્યારે જામનગરમાં એક પણ એક્ટીવ દર્દી ન હતો. પરંતુ પાછળથી જે થયું તેના પરિણામ સ્વરૂપ જ હાલનું ચિત્ર બિહામણું બન્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

જેમ જેમ કોરોના પોજીટીવ દર્દીઓની સંખ્યા વખતી ગઈ તેમ તેમ તંત્રના પ્રયાસોમાં ઓટ આવતી ગઈ, કાગળ પર જ નિર્ણયો વધુ  લેવાતા રહ્યા અને ગ્રાઉન્ડ ઝીરો પર સુચારુ કામગીરી સતત ઘટતી ગઈ,  હાલ લોકલ સંક્રમણ સામે તંત્ર રીતસરનું પાંગળું બની ગયું છે. તંત્ર પાસે હાલ એવી જાદુની છડી જ નથી કે સુપર  સ્પ્રેડરને શોધી શકે !!! રેડ, ગ્રીન જોન તો લોકડાઉનમાં જ સમાઈ ગયા અને શરુ થયો કોરોનાનો બિહામણો મંજર, તમામ તંત્ર પણ કોવિડ હોસ્પિટલ, કન્ટેઈનમેન્ટ જોન, કોવીડ કેર સેન્ટરના માહોલમાં  વ્યસ્ત બની ગયા, બીજી તરફ કોરોના તો દિવસે ને દિવસે વિકરાળ બનતો ગયો, હવે હાલત એવી થઇ છે રોજના એક-બે મોત અને ૧૫ થી ૨૦ દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે.

આ સપ્તાહના ગાળામાં તંત્રએ બે મોટા પણ અમુક અંશે વાહિયાત કહી શકાય એવા નિર્ણયો લીધા છે. જેમાં પ્રથમ નિર્ણય પાન-મસાલાના ગલ્લા-દુકાન પર પ્રતિબંધ અને બીજો નિર્ણય નાગરિકોના ખિસ્સા ખંખેરવાનો એટલે કે રૂપિયા ૨૦૦માંથી રૂપિયા ૫૦૦ કરી નાખવામાં આવ્યો માસ્કનો દંડ,

વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી સ્પષ્ટ કરવામાં આવ્યું કે પાન મસાલાના સ્થળોએ બેદરકારી રખાતા કોરોના સંક્રમિત થઇ રહ્યો છે. તેથી સપ્તાહ સુધી આવા વ્યાપારી એકમો બંધ, જાહેરનામાંની જેવી અમલવારી શરુ થઇ ત્યારથી પાચ દિવસમાં દર્દીઓની સાથે મૃતકો પણ વધ્યા, રોગચાળો નાથવા લેવાયેલ નિર્ણય પરિણામ લક્ષી બને તે પૂર્વે જ આજે જાહેરનામું જ રદ કરી ફરી પ્રતિબંધિત એકમો શરુ કરી દેવાયા, તંત્ર આવી છોકરમત કેમ કરે છે ? નાના બાળકોની જેમ નથી રમવું જા….એમ કહી આગામી ત્રણ દિવસ પછી જે જાહેરનામાંની મુદત પૂર્ણ થતી હતી તેની સમાપ્તિ પૂર્વે જ રદ કરી દેવાઈ, નથી રમવું જા એમ કહી ને !!!!!  કે પછી હાલ અમેરિકાને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલ જોક્સમાંથી બોધ પાઠ લીધો છે !!!

આવો જ નિર્ણય લેવાયો છે માસ્કની બાબતમાં, દંડાત્મક રકમ દોઢી કરી ને લોકલ સંક્રમણ રોકી શકાય એવું ક્યાં પ્રૂફ થયું છે ? કદાચ તંત્ર સાચું હોય તો એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં ઓટ આવી જ્શે. પણ એ વાસ્તવિકતા નથી. માસ્ક વગર નીકળતા નાગરિકોને માસ્ક આપવાને બદલે માસ્ક સામે દંડાત્મક કાર્યવાહી કરી રોગચાળાને રોકવાના તંત્રનો આશય ક્યારેય બર નહી લઇ આવે, બીજી તરફ જે દંડ વસુલાયો છે બંધ કરી હવે માસ્ક વિતરણ ન કરી શકાય, નાગરિકોના ખિસ્સા ખાલી કરવા જ એક માત્ર ધ્યેય ન હોવો જોઈએ, માસ્ક ન પહેરવું એ ચોક્કસથી નાગરિકોની બેદરકારી છે પણ કીડીને કોસનો ડામ ? એ ક્યાંનો ન્યાય છે. અને હા આ જ કાર્યવાહીથી સંપૂર્ણ પણે કોરોના રોકી સકાય તો તમતમારે પાંચ ગણો દંડ વશુલો, સલામ છે પણ નાગરિકોના ખિસ્સા હળવા કરવા એ ન્યાય નથી એમ નાગરિકો માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here