ઓખા: માછીમારીના વ્યવસાયીનું સાડા તેર લાખનું કરી નાખ્યું ચાર સખ્સોએ

0
1010

ઓખામાં ડાલડા બંદરે માછીમારીનો વ્યવસાય કરતા મૂળ ગીર સોમનાથ જિલ્લાના વેપારી સાથે ત્રણ ટંડેલ અને એક માછીમાર સહિતના ચાર શખ્સોએ એડવાન્સ પેટે રૂપિયા સાડા તેર લાખની રકમ લઇ ઠગાઈ કરી હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારીના દંગામાં બોટ રાખવાની લાલચ આપી શખ્સોએ એડવાન્સમાં વેપારી પાસેથી પૈસા લઈ, પરત નહીં ચૂકવી ફોનમાં ધાક ધમકીઓ આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ ઘટનાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઓખાના ડાલડા બંદરેથી છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લામાં રહેતા અને અહીં ક્રિપાલ સી ફૂડ નામના દંગામાં માછીમારીનો વેપાર કરતા રિઝવાન ભાઈ નજીરભાઈ મલિકે નવસારી જિલ્લાના જલાલપોર વિસ્તારમાં રહેતા ભગુભાઈ પ્રેમજીભાઈ ટંડેલ, હિરેનકુમાર ભગુભાઈ ટંડેલ અને ચિત્રાંગદ ભાઈ ભગુભાઈ ટંડેલ તેમજ ગીર સોમનાથ જિલ્લાના દેલવાડા ગામે રહેતા માછીમાર વેલજીભાઈ ભગવાનજીભાઈ વાઢેર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓએ વર્ષ 2019 માં ડાલડા બંદરે આવી અને વેપારીના દંગામાં મચ્છીનો માલ આપી, એડવાન્સ પેટે રૂપિયા લઇ જઇ વેપાર શરૂ કર્યો હતો. આરોપી ભગુભાઈએ વેપારીને જણાવ્યું હતું કે, મારે બે બોટ દંગામાં બાંધેલ છે. જેના માલિકનું મારા ઉપર રૂપિયા 5.80 લાખ જેટલું દેવું છે. આ રકમ તમે ચૂકવી આપો એટલે અમે અમારી બોટ તમારા દંગામાં બાંધશું અને તમારા નીકળતા પૈસા મચ્છીનો માલ આપીને ચૂકવી આપીશુ એમ કહી ફરિયાદી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. કરી શકશો ના વિશ્વાસમાં આવી ગયેલા વેપારીએ સમયાંતરે આરોપીઓને 13 લાખ ૪૭ હજારની રકમ એડવાન્સ પેટે આપી દીધી હતી. દરમિયાન એક પણ રૂપિયો નહીં ચૂકવી ચારેય આરોપીઓ ઠગાઈ કરી નાસી ગયા હતા. જેને લઇને વેપારી અવાર નવાર પૈસાની માગણી કરી ઉઘરાણી કરી હતી. પરંતુ આરોપીઓએ ના પૈસા આપ્યા કે નહોતો વાયદો પૂરો કર્યો, આટલું ઓછું હોય તેમ આરોપી ચિત્રાંગદભાઈએ તો ફોન પર વેપારીને ધમકી આપી કહી દીધું હતું કે હવે પછી ફોન કરશો તો અમે આત્મહત્યા કરશું અને તમારું નામ આપશું,  જેને લઇને વેપારીએ આ ચારેય શખ્સો સામે ઓખા મરીન પોલીસ દફતરમાં અરજી કરી હતી. અરજીની તપાસ બાદ ઓખા મરીન પોલીસે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આ ફરિયાદના આધારે ઓખા મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી આર જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS