જામનગર અપડેટ્સ : રૂપાણી સરકારની અણધારી વિદાય બાદ નવા મુખ્યમંત્રી તરીકે કોણ ? આ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આજે ધારાસભ્યોની બેઠકમાં સીએમનું નામ નક્કી થઇ જશે. સુત્રોનું માનવામાં આવે તો પાટીદારના નેતા જ સીએમ બનશે અને તેમાં નીતિન પટેલ લગભગ નિશ્ચિત મનાય છે. બીજી તરફ ચૂંટણીને ધ્યાને લઈને ઓબીસી અને એસસી/એસટીમાંથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી પણ ચોક્કસ માહિતી સામે આવી છે. આજે નામ ફાઈનલ થઇ જશે અને જે તે ચહેરાને પણ જાણ કરી દેવામાં આવશે પણ એ નામ સીધા જ સપથ વિધિ વખતે જ પ્રસિદ્ધ કરાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધા બાદ સીએમ પદ તરીકે પાટીદાર નેતાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેન્દ્રીય નેતૃત્વએ પણ પાટીદારનું પાત્ર શોધવા કવાયત કરી નામ પણ ફાઈનલ કરી નાખ્યું હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ચાલુ વિધાનસભાની મુદત હજુ સવા વર્ષ ઉપરાંતનો સમય છે ત્યારે પાટીદાર નેતાને રાજ્યનું સુકાન સોંપાશે એમ રાજકીય વિશ્લેષકોએ મત રજુ કરી આગામી વિધાનસભામાં કદાચ પાટીદારને સીએમ પદ ન આપવું પડે તે માટે ટૂંકા ગાળા માટે પાટીદારને સીએમ પદ આપી આગામી પાંચ વર્ષને સાચવી લેવાનો પણ ઉદ્દેશ હોવાની વાતને સમર્થન આપ્યું છે. રૂપાણીના પુરોગામી તરીકે નીતિન પટેલનાં નામની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, બે નાયબ મુખ્ય મંત્રીની ફોર્મ્યુલા અપનાવવા કેન્દ્રએ મનમનાવ્યું છે. જો આ ફોર્મ્યુલા સાચી ઠરે તો નાયબ મુખ્ય મંત્રી તરીકે જનજાતી અને ઓબીસીમાંથી પસંદગીનો કળશ ઢોળવામાં આવશે. જેથી બંને કોમ્યુનીટીની વોટ બેંક સાચવી શકાય, બીજી તરફ મંત્રી મંડળમાં રાજકીય કારકિર્દીમાં પીઢ એવા નવા ચહેરાઓને તક મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે અને રૂપાણી સરકારના મંત્રીમંડળ માંથી અમુક મંત્રીઓના પતા કપાઈ જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્ય મંત્રી અને મંત્રી મંડળમાં સામેલ ધારાસભ્યોના નામ આજ સાંજ સુધીમાં જ ફાયનલ થઇ જશે પણ આ નામ સીધા જ સપથ સમારોહમાં જ જાહેર થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.