નવી મુશીબત : ‘મ્યુકરમાયકોસિસ’ને મહામારી જાહેર કરાઈ, જાણો આ બીમારી વિષે ટોપ ટુ બોટમ, આવી છે હાલની સ્થિતિ

0
1057

જામનગર અપડેટ્સ : હાલ કોવિડની સાથે સાથે સમગ્ર રાજ્યમાં મ્યુકરમાયકોસિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સતત વધતા જતા દર્દીઓ અને મૃત્યાંકને લઈને આજે રાજ્ય સરકારની કોર કમિટીની મળેલી બેઠકમાં આ બીમારીને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે. આ રોગના લક્ષણો તથા આ રોગથી બચવા લોકોએ કેવા પગલાં તથા કાળજી લેવી જોઈએ તે અંગે જી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. આ બીમારીનું જામનગરમ કેવું છે ચિત્ર ? જાણો સમગ્ર વિગતો વિસ્તારથી

 કેવા લક્ષણો હોય છે મ્યુકરમાયકોસિસ બીમારીમાં ? કેવી રીતે ઓળખીશું આ મહામારીને ?

જે દર્દીઓને કોવીડ થયો છે તે જ દર્દીઓને મ્યુકરમાયકોસિસ થાય છે. દર્દીને માથામાં દુખાવો થવો, નાકમાં દુખાવો થવો અથવા લોહી નીકળવું, ચહેરા પર એક તરફ દુખાવો થવો, દાંત ઢીલા પડી જવા, એક તરફ માથું દુખવું આ લક્ષણો છે મ્યુકરમાયકોસિસ બીમારીના. જે દર્દીને કોવીડની સાથે ડાયાબિટીસ હોય અને લાંબા ગાળાની કિડનીની બીમારી હોય તેવા લોકોને મ્યુકરમાયકોસિસ બીમારી થવાની પ્રબળ સંભાવના હોય છે. તાત્કાલિક નિદાન તથા સારવાર લેવાથી મ્યુકરમાયકોસિસ બીમારી ગંભીર નુકશાન ટાળી શકાય છે આ બીમારી આંખમાં, નાકમાં કે મગજ સુધી પ્રસરે ત્યારે દર્દી માટે મુશ્કેલીઓ વધી શકે છે. આવા લક્ષણો જણાઈ તો દર્દીએ નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ એમ જી. જી. હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના ડો.નિરલ મોદીએ જણાવ્યું છે.

જીજી હોસ્પિટલના ડો. નિરલ મોદી અને ડો. રાધા

સમયસર સારવારથી દ્રષ્ટિ ગુમાવવાની શક્યતા નહીવત : ડૉ રાધા

સામાન્ય રીતે આ રોગ કાન, નાક અને આંખ અને મગજ સુધી વિસ્તરે છે. કોવિડના ગંભીર દર્દીઓમાં મ્યુકરમાયકોસિસના લક્ષણો જોવા મળે છે. આ રોગ કાનના રસ્તેથી આંખ તથા મગજ સુધી પહોંચે છે આવા સંજોગોમાં દર્દીની દ્રષ્ટિ ગુમાવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ત્યારે તુરંત સારવાર લેવી ખાસ જરૂરી બને છે એમ જીજી હોસ્પિટલના આઈ વિભાગના ડૉ. રાધાએ જણાવ્યું છે.

આ રીતે અટકાવી શકાય છે મ્યુકરમાયકોસીસ

આ બીમારીથી બચવા (ડાયાબીટીસ) સુગરને સંતુલીત રાખવું અનિવાર્ય છે. આ ઉપરાંત  જરૂર પડે ઈન્સ્યુલીનનો ઉપયોગ કરવો હિતાવહ છે. શરીરમાં અને આસપાસ, સ્વચ્છતા રાખવી જરૂરી છે. જો આ  બિમારીના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર કરાવવી  જોઈએ. આ મહામારી સામે જીજી હોસ્પીટલના તબીબોને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે આ ઉપરાંત જી.જી.હોસ્પિટલની ઈન્ફેકશન કન્ટ્રોલ ટીમ પણ સતત કાર્યરત છે એમ મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતુ.

જીજી હોસ્પિટલના ડો. એસએસ ચેટરજી અને ડો. માનીશ મહેતા

મ્યુકોરમાયકોસિસ અંગે જી.જી.હોસ્પિટલમાં આવી છે વ્યવસ્થા

જી.જી.હોસ્પિટલ ખાતે મ્યુકરમાયકોસિસની સારવાર માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપતા કોરોના નોડલ ઓફિસર ડો..એસ.એસ.ચેટરજીના જણાવ્યા અનુસાર જામનગરની  જી.જી.હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે કોવિડ બિલ્ડિંગમાં ૪૪ બેડનો અલગથી ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં મેડિકલ સારવાર તથા જરૂર પડ્યે સર્જીકલ સારવાર પણ કરવામાં આવી રહી છે. કોવિડ હોસ્પિટલ ખાતે ૪૪ બેડ તથા જુની જી.જી.હોસ્પિટલ ખાતે પણ અલાયદા વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હાલ જીજી હોસ્પિટલમાં ૧૦૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જયારે દસ દિવસ પૂર્વે તા. ૧૦મીના રોજ માત્ર ૩૯ દર્દીઓ જ સારવાર લઇ રહ્યા હતા. આ દસ દિવસના ગાળામાં સારવાર દરમિયાન ત્રણ દર્દીઓના મૃત્યુ નીપજયા છે. જયારે હાલ ૧૦૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here