જામનગર અપડેટ્સ : જામ ખંભાલીયા ખાતે મંગળવારે એક યુવાનને સંપૂર્ણ નગ્ન કરી બજારમાં ફેરવવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા અંગે ટીકા-ટિપ્પણીઓ થતા જ પ્રકરણ દિવસભર મીડિયામાં ગાજતું રહ્યું હતું. પોલીસ વિભાગની બદનામી થતા જ રાજય પોલીસ અધિક્ષકની કચેરીમાંથી ઓર્ડર છૂટ્યો હતો, જેમાં એસપી તરીકેના ચાર્જમાં રહેલા ચૌધરીને હટાવી ગાંધીનગર ઈન્ટેલીજન્સના એસપી વાઘેલાને તાત્કાલીક ચાર્જ સોંપવામાં આવ્યો છે બીજી તરફ આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા અંગે ચાલી રહેલી ચર્ચાઓને પગલે સ્થાનિક પોલીસ સામે ખાતાકીય તપાસના પણ આદેશ થયા છે. આ તપાસ વચ્ચે આજે ખંભાલિયા પીઆઇ ગઢવીને તાત્કાલિક અસરથી લિવ રિઝર્વમાં ઉતારી તેની જગ્યાએ કલ્યાણપુર પીએસઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે.જ્યારે મહિલા પીએસઆઇ સહિત નવ પોલીસ જવાનને સસ્પેન્ડ અને બે ટ્રાફિક બ્રિગેડ જવાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. બીજી તરફ પીઆઇ ગઢવી સામે એફઆઈઆરની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભોગગ્રસ્ત ચંદુ રુડાચ નામનો યુવાન તાજેતરમાં ફેસબુક લાઈવ થયો હતો અને આરોપીઓના ક્રિકેટના સટ્ટાના કેસ અંગે ચર્ચાઓ કરી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ જ કાવતરું રચી જુના શારદા સિનેમા પાસેથી યુવાનનું અપહરણ કર્યું હતું. અને ક્રેટા કારમાં ગોંધી વિરમદળ રોડ લઇ ગયા હતા. જ્યાં ઢીકાપાટુંનો માર મારી પાંચ હજારનો મોબાઈલ તોડી નાખ્યો હતો. ત્યારબાદ નગ્ન કરી ફરી શહેરમાં લઇ આવી આરોપી માણસી ભોજાણી અને કાના જોધા ભોજાણીએ ઢીકાપાટુંનો માર મારી બદનામ કરવાના ઈરાદાથી નગ્ન હાલતનું રેકોર્ડીંગ કરી વિડીયો વાયરલ કરાવડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બંને ઉપરાંત તેના અન્ય ભાઈઓ ભારા જોધા ગઢવી, પ્રતાપ જોધા ગઢવી, જોધા ગઢવી, કિરીટ જોધા ગઢવી સામે અપહરણ, કાવતરું, ગોંધી રાખવા અને મારમારવા તેમજ નગ્ન કરી ફેરવવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ફરીયાદ નોંધી હતી.
બનાવ પ્રસાર પ્રચાર માધ્યમોમાં ચમકતા જ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. અન્ય રાજ્ય સાથે ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની સરખામણી કરવામાં આવતા જ રાજ્ય સરકાર સ્થાનિક પોલીસની કાર્યવાહીથી નારાજ થઇ હતી અને તાત્કાલિક અસરથી ઇન્ચાર્જ એસપી તરીકે રહેલ હરેન્દ્ર ચૌધરી પાસેથી ચાર્જ લઇ તેની જગ્યાએ ગાંધીનગર ઈન્ટેલીજન્સના એસપી વિશાલ કુમાર વાધેલાને તાત્કાલિક અસરથી ચાર્જ આપ્યો છે. આ ચાર્જ દરમિયાન જીલ્લામાં કેમ્પ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે એસપી સુનીલ જોશી તા. ૨૮/૧૧થી ૧૫/૧૨ સુધી પેટરનીટી રજા પર છે તેઓની જગ્યાએ એએસપી ચૌધરીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રેંજ આઈજી સંદીપકુમાર પણ તાત્કાલિક ખંભાલીયા દોડી આવ્યા હતા અને પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકરણની તાત્કાલિક અસરથી એલસીબીને તપાસ સોંપવામાં આવી છે. એલસીબીએ આ પ્રકરણમાં સંડોવાયેલ પાંચેય આરોપીઓને પકડી પાડ્યા છે અને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી આ આરોપીઓ હજુ પોલીસ કસ્ટડીમાં છે. બીજી તરફ આ પ્રકરણમાં પોલીસ સામે ચીંધાયેલ આંગળીના પગલે ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસ ચાલુ છે ત્યાં આજે ખભાળિયા પીઆઈસ્થાનિક પીઆઇ જી બી ગઢવીને તાત્કાલિક અસરથી લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે તેની જગ્યાએ કલ્યાણપુર પી આઈ વી વી વાગડીયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આજે જ ખંભાળિયા પીઆઇ ગઢવીનો જન્મ દિવસ છે ત્યારે આ પ્રકરણમાં જન્મ દિવસની ઉજાણીમાં ભંગ પડ્યો હોય તેવો માહોલ રચાયો છે. જ્યારે ઘટના સમયે પોલીસ દફતરમાં હાજર ખંભાળિયા પીએસઆઈ ચન્દ્રકલાબા જાડેજા પી.એસ.આઈ ખંભાળિયા,કાબાભાઈ ચાવડા,એ.એસ.આઈ,માંડણ ગઢવી,સુરા ગઢવી લોકરક્ષક,માલદે નંદાણીયા-હેડ કોન્સ્ટેબલ,બલુભાઈ ગઢવી લોકરક્ષક,કરશન ગોજીયા હેડ કોન્સ્ટેબલ, વજુભાઈ નંદાણીયા લોકરક્ષક,અરશી ગોજીયા લોકરક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે પ્રતાપભાઈ વાઢેર ટ્રાફીક બ્રિગેડ,રાજેશ ભાદરકા ટ્રાફિક બ્રિગેડને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આ પ્રકરણની હજુ તપાસ ચાલી રહી હોવાથી પીઆઇને સસ્પેન્ડ નહિ કરતા લિવ રિઝર્વમાં મુકાયા છે. જો કે તપાસ પૂર્ણ થયે પીઆઇ સામે એફઆરઆઈ થશે એમ સૂત્રોએ જણાવ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓ અને પીઆઇ વચ્ચે સંવાદ થયો હોવાનું અને ફરિયાદ સુધીના પુરાવા હાથ લાગી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. જોવાનું એ રહે છે કે પીઆઈ સામે ફરિયાદ નોંધાય છે કે કેમ?