જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે મજુરી કામ કરતા પરિવારમાં શોકનું મોજું ત્યારે ફરી વળ્યું જયારે ઘરના મોભીએ જ તેની પત્નીને છરીનો એક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી, મહિલાના મૃત્યુ પામતા તેના ચારથી દસ વર્ષના ત્રણ સંતાનોએ માતૃત્વ ગુમાવ્યું છ.
મીઠાપુરમાં બાલ મુકુન્દ પાંજરાપોળ ખાતે રહેતા પ્રવીણ જેસંગભાઈ કંકોડીયાએ ગઈ કાલે સાંજે રસોઈ બનાવતી તેની પત્ની નીતાબેન સામે બોલાચાલી કરી, છરી વડે હુમલો કર્યો હતો. પેટના પાછળના ભાગે છરીનો એક ઘા મારી દેતા તેણીની લોહી લુહાણ થઇ ગઈ હતી. જેને લઈને પરિસ્થિતિનો ખ્યાલ આવતા ખુદ પતી પ્રવીણ તેણીને સ્થાનિક દવાખાને લઇ ગયો હતો. જો કે જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
મચ્છી સુધારી રહેલ પતિ પ્રવીણ અને તેની પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઇ હતી અને ઝઘડો થયો હતો. આ ઘટના બાદ આરોપી પ્રવીણની મોટી દીકરી શ્રધ્ધા ઉવ ૧૦ દોડતી દોડતી તેના કાકાને ઘરે પહોચી હતી અને રડતા રડતા કહ્યું હતું કે મારા પપ્પાએ મમ્મીને છરીનો ઘા મારી દીધો છે અને હોસ્પિટલ લઇ ગયા છે. જેને લઈને નાનાભાઈ કંકોડીયા હોસ્પિટલ પહોચ્યા હતા જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવતા તેઓએ પ્રવીણ સામે પત્નીની હત્યા નીપજાવવા સબબ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પ્રવીણની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મહિલાના મૃત્યુના પગલે તેની ચાર વર્ષીય પુત્રી જયશ્રી, છ વર્ષીય પુત્ર દસરથ અને દસ વર્ષીય શ્રધ્ધાએ માતાનું માતૃત્વ ગુમાવ્યું છે.