જામનગર : વડોદરામાં ગત રાત્રીએ પોતાના ઘરેથી નોકરી કરવા નીકળેલ પત્નીનો પીછો કરી શિક્ષક પતિએ રાત્રી અંધકારમાં જ પત્ની પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે. પત્નીના અનૈતિક સબંધની શંકા જતા પતિએ આ વારદાતને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
વડોદરામાં શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી શિલ્પાબેન જયેશભાઈ પટેલ ઉવ ૩૯ નામની મહિલાઓ લોહીથી લથપથ હાલતમાં રહેલો મૃતદેહ ન્યૂ વી.આઇ.પી. રોડ વૈકુંઠ-2 સોસાયટીના દરવાજા પાસેથી મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે મોડી રાતથી જ તપાસ શરુ કરી હતી. રાત્રે પોતાના ઘરે ( અમરદીપ હોમસ, આજવા રોડ) થી પોતાના નોકરીના સ્થળે રવાના થયેલ મહિલાની તેના જ પતિએ હત્યા નીપજાવી હોવાની પ્રાથમિક વિગતો જાહેર થઇ છે. પત્નીના અનૈતિક સબંધ હોવાની શંકા જતા ગત રાત્રે એકટીવા પર નીકળેલ પત્નીનો પતિએ પીછો કરી ઘટના સ્થળે આંતરી લીધી હતી અને હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી પતાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે તેણીના પતિની અટકાયત કરવા તેમજ બનાવનું સચોટ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. મૃતકને બે સંતાન હોવાનું જાણવા મળ્યું છે. માતાના મૃત્યુના પગલે બંને સંતાને માતાની હુંફ ગુમાવી છે.