ચકચારી હત્યા : ક્ષત્રિય યુવાનનું ઢીમ ઢાળી નાસી ગયેલ ડિસમિસ પોલીસકર્મી અને તેના ભાઈને દબોચી લેવાયા

0
3284

જામનગર : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે એક પેટ્રોલ પંપ નજીક પરમ દિને સાંજે રેતીના ધંધા ખાર ના કારણે એક યુવાનની હત્યા નિપજાવવાના અંગે તથા તેના ભાઇ પર જીવલેણ હુમલો કરવા અંગે ડિસમિસ પોલીસ કર્મચારી અને તેના ભાઈ સામે હત્યા અને પૂર્વયોજીત કાવતરુ ઘડવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં ભાગી છૂટેલા બંને આરોપી બધુ ઓનો પોલીસે પીછો કરી પકડી પાડયા છે, અને કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે. જેઓએ હત્યા સમયે ઉપયોગમાં લીધેલી કાર ધ્રોલ પાસે રેઢી મૂકી દીધી હતી. જે કબજે કરાઈ છે. ઉપરાંત અન્ય કારમાં નાસવા જતાં તે કાર પણ કબજે લેવાઈ છે.

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પરમ દિવસે સાંજે યુવરાજસિંહ મહોબત સિંહ જાડેજા નામના એક યુવાનની રેતીના ધંધાના ખાર ના કારણે નિર્મમ હત્યા નીપજાવાઇ હતી. જ્યારે તેના ભાઈ ગિરિરાજ સિંહ જાડેજા પર અને પ્રદિપસિંહ ઉપર ખૂની હુમલા ની કોશિશ કરાઈ હતી. આ પ્રકરણમાં પંચકોશી એ ડીવીઝન પોલીસે ગિરિરાજ સિંહ જાડેજા ની ફરિયાદના આધારે જામનગરના જ ડિસમિસ પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરસિંહ સતુભા જાડેજા અને તેના ભાઈ વીરભદ્ર સિંહ જાડેજા સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, ઉપરોક્ત બંને આરોપી બંધુઓ હત્યા કરવા માટે જીજે ૧૦ ડી.એ. ૦૦૫૬ નંબરની કારમાં આવ્યા હતા, અને તે જ કારમાં બેસીને ફરીથી ભાગી છૂટયા હતા. જે કારના નંબરના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન ગઇકાલે મોડી રાત્રે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટુકડી તથા પંચકોશી બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે પેટ્રોલીંગ હાથ ધરી સૌપ્રથમ હત્યા સમયે ઉપયોગમાં લેવાયેલી કાર ધ્રોલ પાસેથી કબજે કરી લીધી હતી. જે કાર મૂકીને બંને આરોપીઓ બીજી કારમાં બેસીને ભાગવા જઈ રહ્યા હતા. જે દરમિયાન એલસીબીની ટુકડીએ જીજે -૩ સી.આર. ૪૪૪૦ નંબરની અન્ય એક કાર સાથે બંને આરોપીઓને પકડી પાડયા હતા.
જેઓને જામનગર લઈ આવ્યા પછી પંચકોશી બી ડિવિજન પોલીસ મથકમા સુપરત કરી દેવામાં આવ્યા હતા. જે બન્ને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી આજે વહેલી સવારે હાથ ધરવામાં આવી હતી, અને દરેડ માં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સૌપ્રથમ તેના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ઉપરાંત તેઓને કોવિડના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ પણ કરાયા છે, અને હાલ બંનેને દરેડ પોલીસ સ્ટેશન હેઠળના પોલીસ લોકઅપમાં કોરોન્ટઆઇન કરીને રાખી દેવામાં આવ્યા છે. જેનો આવતીકાલે રિપોર્ટ આવી ગયા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછ દરમિયાન બંને આરોપી બંધુઓની સાથે અન્ય કેટલાક સાગરિતો પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અને આવનારા દિવસોમાં હત્યા પ્રકરણમાં વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી સંભાવના છે. જે સમગ્ર મામલે પોલીસ ટુકડી વધુ તપાસ ચલાવી રહી છે.

NO COMMENTS