જામનગર : કોંગ્રેસને મોટી ખોટ પડી છે એમ કહેવા કરતા પણ શહેરની સામાન્ય જનતાને મોટી ખોટ પડી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે લડાયક નેતા અને મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર દેવશી બૈડીયાવદરાનું આજે ટૂંકી માંદગી બાદ મૃત્યુ નીપજ્યું છે. વોર્ડ નંબર 15માં સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા અને લડાયક નેતાની છાપ ધરાવતા દેવશીભાઈ આહિરે શહેર અને શહેરીજનોના વિકાસ મુદ્દે અનેક આંદોલનોમાં અગ્ર ભૂમિકા ભજવી છે. વિરોધપક્ષમાં રહી અનેક લોકભોગ્ય સેવાઓ માટે લડી ચૂકેલ દેવશીભાઈના નિધનથી કોંગ્રેસને તો મોટી ખોટ પડી છે સાથે સાથે શહેરને પણ મોટી નુકસાની ગઈ છે.
લોકભોગ્ય સેવામાં સતાધારી જૂથની ચૂંક હોય કે માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર ઉણું ઉતરતું હોય ત્યારે જામનગર શહેરમાં એક જ નેતા એવો હતો કે જેને કોગ્રેસની સાથે રહી અથવા તો વ્યક્તિગત લડાઈઓ લડી હોય, એ છે વોર્ડ નમ્બર ૧૫ના પૂર્વ કોર્પોરેટર દેવશી આહીર, રખડતા ઢોરનો પ્રશ્ન હોય કે પાંજરાપોળમાં ઢોરના મૃત્યુ હોય, નગરસીમ વિસ્તારમાં ટેક્સની આકારણીમાં થયેલ અન્યાય હોય કે ડીપીટીપી પ્રશ્ને વહીવટી અને સતાધારી જૂથની મનમાની હોય કે પછી જામનગરને ત્રીજા સમસાન બાબતનો પ્રશ્ન હોય આ તમામ મુદ્દે દેવશીભાઈએ લડાયક ભુમિકા ભજવી હતી. જી જી હોસ્પિટલની કથળેલ સ્થિતિ અંગે તો એક દિવસ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. તો મહાનગરપાલિકાના દરેક જનરલ બોર્ડમાં સતાધારી જુથને પરસેવો વારી દેતા નેતાના નિધનથી કોંગ્રેસને નહી પણ જામનગર શહેરની જનતાને મોટી ખોટ પડી છે. બે દિવસ પૂર્વે જ કોરોના પોજીટીવ થયેલ દેવશી આહીરને કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ટૂંકી બીમારી બાદ આજે બપોરે આહિરે દમ તોડી દેતા રાજકીય આલમમાં શોક છવાઈ ગયો છે.