ભાણવડ : દેવભૂમિ દવારકા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ભાણવડ, ખંભાલીયા અને કલ્યાણપુર તાલુકાના અમુક ગામડાઓમાં ગઈ કાલથી વાવણી કાર્ય પુરજોશમાં શરુ થયું છે. છેલ્લા સાત દિવસથી આ ત્રણેય તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે જોકે, કલ્યાણપુર અને ખંભાલીયાના અમુક ગામડાઓ તેમજ ઓખા મંડળમાં હજુ વરસાદ વરસ્યો જ નથી પરંતુ જે રીતે હજુ પણ વરસાદી જોર યથાવત રહેતા જીલ્લાભરમાં સચરાચર વરસાદની આશા બંધાઈ છે. ગઈ કાલે બપોરે ભાણવડ તાલુકા મથક ઉપરાંત સઈ દેવળીયા,નવાગામ,રેટા કાલાવડ,મોરઝર,કબરકા,શેઢાખાઈ, સહિતના ગામડાઓમાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો. .રેટા કાલાવડ પંથકમાં મેઘરાજાની ફરી વખત ધમાકેદાર બેટિંગ થી ઘરોમાં પાળી ઘુસી ગયા હતા. જેને લઈને ગામમાં પાણી પાણી તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ના કારણે નદી નાળા છલકાયા હતા. સમયસર વરસાદ થઈ જતા ખેડૂતો માં ખુશીની લેહેર જોવા મળી હતી અને છેલ્લા બે દિવસ થી વાવણી કાર્ય પુર જોશમાં આરંભી દેવાયું છે. સારા વરસાદના કારણે ખંભાલીયાના શિહણ અને ઘી તેમજ ભાણવડના વર્તુ ડેમમાં પાણીની આવક થવા પામી છે. તસ્વીર: કિશન ગોજીયા-ભાણવડ