જામનગર : ગઈ કાલનો દિવસ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં માટે કુદરતી આફતનો રહ્યો હતો. પાંચ થી ૨૦ સુધી વરસાદ પડી જતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. જયારે જામનગર જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી જતા ખેડૂત વર્ગની ખુશીમાં વધારો થયો છે. બીજી તરફ ગઈ કાલે કોરોનાની બીમારી વધુ વિકરાળ એક દર્દીનું મોત થયું છે. આવો ફટાફટ નજર નાખી લઈએ આ સમાચારો પર….
જામનગર જીલ્લા પર મેઘરાજાએ કાચું સોનું વરસાવ્યું છે. જેમાં જીલ્લામાં રાત્રે પોણા ઇંચ થી ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે. લાલપુરમાં પોણો ઇંચ, જામજોધપુરમાં ત્રણ ઇંચ, કાલાવડમાં પોણા બે ઇંચ, જોડિયામાં પોણો ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે છેલ્લા ચોવીસ કલાકમાં કાલાવડમાં ચાર, જામજોધપુરમાં સાડા ચાર, જામનગરમાં પોણા બે, જોડિયા બે ઇંચ, ધ્રોલ સાડા ત્રણ, લાલપુર ત્રણ ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોની ખુશી બેવડાઈ છે.
દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કર્યું છે. જેમાં દ્વારકા અને કલ્યાણપુરમાં મોડી રાત્રે સાંબેલાધાર આઠ થી સાડા નવ ઇંચ વરસાદ, ખંભાળિયામાં એક અને ભાણવડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ખંભાળિયામાં સાડા ઓગણીસ ઇંચ, કલ્યાણપુરમાં ૧૪ ઇંચ, દ્વારકામાં ૧૧ ઇંચ વરસાદથી દ્વારકા જીલ્લો બેટમાં ફેરવાયો છે. કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ થી ૧૫ ઇંચ વરસાદ પડી જતા ખેતોના પાળા અને ઉભો પાક ધોવાઇ ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે.
ખંભાલીયાના બહુ ચર્ચિત હની ટ્રેપનો પર્દાફાસ થયો છે. મૂળ કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામની યુવતી અન્ય છ સખ્સોની સાથે મળી છેલ્લા ચાર મહિનામાં પાંચ યુવાનોને હની ટ્રેપમાં ફસાવ્યા છે. યુવતી જે તે શિકારને લઈને ચાર દીવાલો વચ્ચે જતી ત્યા જ આ ટોળકી પોલીસના સ્વાંગમાં પહોચી જતી અને જે તે યુવાનને ખંખેરી લેતી હતી.
જામજોધપુર તાલુકાના પાટણ ગામે જુગાર રમતા છ સખ્સો પકડાયા, દસ હજારની રોકડ કબજે કરવામાં આવી
કોરોનાની બીમારીએ અજગરી ભરડો લઇ લીધો છે. ગઈ કાલે એક દર્દીનું મૃત્યુ થયુ છે જયારે નવા સાત દર્દીઓ સામે આવ્યા છે જેમાં મોટા ભાગના શહેરના જ દર્દીઓ છે આ ઉપરાંત કાલાવડ અને ધ્રોલમાં પણ દર્દીઓ નોંધાયા છે.