જામનગર : મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ “ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી હતી. હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડિયો ગેમ્સ જેવી પ્રવૃતિમાં અત્યંત કીંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ “ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્ર સ્પર્ધા, ટેલીવીઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડિયો – વિડીયો કલીપ રજુ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવ્યા છે.
આ હેતુને સુચારુ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જામનગર દ્વારા સંયુક્ત રીતે “ગાયન(સુગમ સંગીત,લગ્નગીત,શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની), લોકગીત /ભજન સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં જુદા જુદા વયજૂથ પ્રમાણે જેમકે, ૬ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષ ઉપરના ઓપન વયજૂથમાં સ્પર્ધકો ભાગ લઇ શકશે. ઉક્ત સ્પર્ધાની વિડીયો કલીપ તૈયાર કરીને તા.૦૨/૦૮/૨૦૨૧ થી તા.૧૯/૦૮/૨૦૨૧ના બપોર ૧૨:૦૦ કલાક સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨-૪૩,રાજ્પાર્ક પાસે, જામનગર ખાતે મોકલવાની રહેશે.
જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦, દ્વિતીયને ૭૫૦તેમજ તૃતીયને રૂ.૫૦૦ લેખે ઇનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાએ ગાયન સ્પર્ધામાંથી ૧૦ કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦ દ્વિતીયને રૂ.૧૫૦૦૦ તેમજ તૃતીયને રૂ.૧૦૦૦૦ એમ ત્રણ ઇનામો અને અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦(પ્રત્યેક)ને આશ્વાસન ઇનામ આપવામાં આવશે.
અંગેની વધુ માહિતી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતગત ફેસબુક પેજ
https://ww.facebok.com/mobile2sports
તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક
http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rKensUaz-g
પરથી મેળવી શકાશે તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨-૪૩, રાજ્પાર્ક પાસે, જામનગર કચેરીનો રૂબરૂ અથવા ફોન નં.૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ જામનગરની યાદીમાં જણાવાયું છે.