જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓને જોડતા હાલારમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની મહેરથી પાણી પાણી થઇ ગયું છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો હાલારના બંને જિલ્લાઓમાં એક થી બાર ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં ખંભાલીયામાં ગઈ કાલે વધુ બાર ઇંચ વરસાદ પડી જતા પુનઃ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી.
હાલારના બંને જીલાઓ પૈકી દેવભૂમિ દ્વારકા જીલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. ગઈ કાલે પણ આ મહેર કહેર રૂપે વરસતા પાણી પાણી થઇ ગયું હતું. ખંભાલીયા ખાતેના કંટ્રોલ રૂમના આકડા મુજબ ગઈ કાલે સવારના છ થી બુધવારના સવારના છ વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં સાડા અગ્યાર ઇંચ વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારો પુરમાં તબદીલ થયા હતા. જેમાં દ્વારકા જીલ્લામાં જ પોલીસમાં ફરજ બજાવતા વિજયભાઈ દેવાયતભાઈ કરમુરનું દેવળિયા ગામે વાછરાદાદાના મંદિર નજીકના તળાવમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. તેમજ ચંદ્રાવાળામાં બાબુભાઈ રાણા ભાઈ બારિયા ૨૨ -વીજ પોલના તાર સાથે અથડાવવાથી મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત ખંભાલીયામાં બાર ઇંચ પાણી પડી જતા ગોવિંદ તળાવ નજીકના મકાનો ડૂબી ગયા હતા. જયારે દ્વારકામાં નવ ઇંચ અને ભાણવડમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે ગત રાત્રી થી મેઘરાજાએ વિરામ લઇ લેતા હાશકારો થયો છે. જીલ્લાના મોસમના કુલ વરસાદની વાત કરીએ તો ખંભાલીયામાં બાવન ઇંચ, દ્વારકા અને ભાણવડમાં સાડા સત્યાવીસ ઇંચ, અને કલ્યાણપુરમાં સાડા એકતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ જામનગર જીલ્લામાં પણ મેઘ મહેર અવિરત રહી છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો કાલાવડમાં ત્રણ ઇંચ, જામજોધપુરમાં સાત ઇંચ, જોડીયામાં એક ઇંચ અને જામનગરમાં સાડા ત્રણ ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ અને લાલપુરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. મોષમના ત્રીજા વરસાદને લઈને તમામ નદીનાળા ડેમ છલકાઈ ગયા છે જયારે ડેમોના પાણી છોડવામાં આવતા જામનગર શહેર અને જોડિયા પંથકના અમુક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. જીલ્લાના મોષમના વરસાદની વાત કરીએ તો કાલાવડમાં ૩૨ ઇંચ, જામજોધપુરમાં ૨૬ ઇંચ, જોડીયામાં સાડા તેર ઇંચ, જામનગરમાં સાડા તેર ઇંચ અને ધ્રોલમાં સાડા ઓગણીસ ઇંચ તેમજ લાલપુરમાં પચીસ ઇંચ વરસાદ થયો છે.