જામનગર: ખંભાલીયા રોડ પર આવેલ મેઘપર પાસેની એક ખાનગી કંપનીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ વખતે મહિલાઓ એક સંપ કરી દીવાલ કુદી ભારેખમ ૩૦૦ કિલો કોપર વાયરની જથ્થો ચોરી કરી નાશી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દીવાલ કુદી મહિલાઓ કંપનીની અંદર ઘુસતી અને ચોરી કરતી નજરે પડી રહી છે. મેઘપર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગ-ખંભાલીયા ધોરી માર્ગ પર આવેલ મેઘપર ગામેં આવેલ કંપનીમાં ચોરીનો બનાવ નોંધાયો છે. જેની વિગત મુજબ, ગત તા. ૧૭મીના રોજ દિવસ દરમિયાન સી.આર.-૩ (ઇન્ડીયા) પ્રા.લી.ની કંપનીની કંપાઉન્ડની દિવાલના ઇમરજન્સી ગેઇટ કુદીને અમુક મહિલાઓ કંપનીના યાર્ડમાં પ્રવેશી હતી. આ મહિલા ગેંગ દ્વારા પ્રવેશ કરી કંપનીના યાર્ડમાં પડેલ કોપર કેબલ વાયરનો વિશાલ જથ્થો હાથવગો કર્યો હતો. યાર્ડમાં પડેલ વેલ્ડીંગ કામમાં વપરાતો ૩૦ મીટરના રોલ કુલ-૧૨ કોપર વાયરના બંડલ, જેમાં ૩૦ મીટરના એક રોલની કિ.રૂ.૧૦,૦૦૦ લેખે કોપર કેબલ વાયરના કુલ-૧૨ રોલની કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦ તથા પ૦ મીટરના કુલ-૦૫ રોલ જેમાં ૫૦ મીટરના એક રોલની કી.રૂ.૧૫,૦૦૦ લેખે કોપર કેબલ વાયરના રોલ કુલ-૦૫ ની કુલ કિ.રૂ.૭૫,૦૦૦ મળી અલગ-અલગ સાઇઝના કુલ કોપર કેબલ વાયરના રોલ નંગ-૧૭ કૂલ કિ.રૂ.૧,૯૫,૦૦૦/- જે તમામ રોલમાં રહેલ કોપર કેબલનો વજન આશરે ૨૫૦ થી ૩૦૦ કિલો ગ્રામ જેટલો થાય તે મતાની ચોરી કરી મહિલા ગેંગ પરત નાશી ગઈ હતી.
સીઆર – 3 કંપની મેઘપર આજુબાજુ આવેલ નાની મોટી કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીઝને લગતી અલગ અલગ મશીનરી રીપેરીંગ કરવાનું કામ કરે છે. આ કામગીરીમાં કોપર વાયરની જરૂરીયાત રહેતી હોવાથી કંપનીના યાર્ડમાં જથ્થો રાખવામાં આવતો હતો. ગત રવિવારે રજા પૂર્ણ કરી સોમવારે કંપનીમાં ગયેલ કર્મચારીઓએ કોપર વાયરની જરૂરીયાત હોવાથી યાર્ડમાં તપાસ કરી હતી જેમાં આ જથ્થો ગાયબ જણાયો હતો. જેથી કંપનીના યાર્ડ મેનેજર મુકેશભાઈ ચાવડાએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં તા. ૧૭મીના રોજ યાર્ડની કમ્પાઉન્ડ વોલ કુદીને અંદર પ્રવેશ કરી ચોરી કરતી મહિલા ગેંગ સામે આવી હતી. જેને લઈને મેનેજર દ્વારા મહિલા ગેંગ સામે મેઘપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલા ગેંગની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.