જામનગર: જામનગરની એક ખાનગી કોલેજ દ્વારા તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી, જે પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ ની સીડી અમદાવાદ યુનિવર્સિટીમાં મોકલાવ્યા પછી તેના ફૂટેજ ની ચકાસણી કરવામાં આવતાં જામનગરની કોલેજના ૧૨ વિદ્યાર્થીઓ કોપી કરતાં નજરે પડ્યા હતા, જેથી તમામ વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ કરવામાં આવ્યો છે. તેમજ કોલેજના સંચાલકોનો પણ ખુલાસો મંગાયો છે.
જીટીયુ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં તમામ સેન્ટર પર સીસીટીવી ફરજિયાત હોય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ એ સીસીટીવી જીટીયુને મોકલવાના હોય છે. જામનગરની અક્ષર પ્રીત ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી દ્વારા પણ પોતાના સીસીટીવી જીટીયુને મોકલી અપાયા હતા. જેની પરીક્ષા વિભાગ દ્વારા તપાસ કરતાં ફાર્મસીના ૧૨ વિદ્યાર્થીઓ સામુહિક ગેરરીતિ કરતાં ઝડપાયા હતા. વિદ્યાર્થીઓ એકબીજા ને પુરવણી આપી રહ્યા હોવાનું જી.ટી.યુ. ને ધ્યાને આવતાં વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કરવામાં આવ્યો. જ્યારે અક્ષરપ્રિત કોલેજ પ્રસાસનને પણ હિયરિંગ બોલાવવામાં આવી છે, કે તેમના ધ્યાને આ સામુહિક કોપી કેમ ના આવી? વગેરે ખુલાસાઓ પણ મંગાયા છે, જેને લઈને ભારે દોડધામ થઈ છે.