જામનગર : જ્યારથી કોરોનાકાળ શરુ થયો છે ત્યારથી આરોગ્ય તંત્રની કાર્યવાહી સતત ચર્ચાનો વિષય બની છે. કોરોનાથી મૃત્યુના આકડાઓ હોય કે ટેસ્ટની સંખ્યા હોય, કન્ટેઈનમેન્ટ વિસ્તાર હોય કે ગ્રામ્ય-શહેરમાં પોજીટીવ દર્દીઓનાં આકડાઓ હોય, તંત્રના જવાબો હમેશા શંકાઓ ઉપજાવે તેવા જ રહ્યા છે. ત્યારે આજે વધુ એક વખત તંત્ર ચર્ચાના એરણે ચડ્યું છે. શહેરમાં એક જ વ્યક્તિએ કલાકના અંતરે કરાવેલ પરીક્ષણમાં એક રીપોર્ટ પોજીટીવ જાહેર થયો જયારે અન્ય રીપોર્ટ નેગેટીવ જાહેર કરવામાં આવ્યો હતો. બંને રીપોર્ટને લઈને તંત્રની કામગીરી સામે શંકાઓ ઉચ્ચારવામાં આવી રહી છે.
જામનગરમાં આણદાબાવા ચકલો વિસ્તારમાં રહેતા એક નાગરિકે ગઈ કાલે મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં એન્ટીઝન ટેસ્ટ રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. અજય ત્રિવેદી નામના નાગરિકે રેપીડ ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એક જ દિવસમાં કલાકના અંતરે કરાવેલ બે રીપોર્ટમાં સાચો રીપોર્ટ કયો ? તેને લઈને શહેર ભરમાં ચર્ચાઓ જાગી છે. સાથે સાથે તંત્રની પરીક્ષણ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.