જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામે ગંભીર ઘટના સામે આવી છે. એક મહિલાએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા તેણીના સાસરિયાઓએ દફનવિધિ કરી હતી. મૃતકના પિતાને સાસરિયાઓ સામે શંકા જતા તેઓએ પ્રાંત અધિકારીને સાથે રાખી મૃતદેહ ફરી બહાર કઢાવી પીએમ કરાવ્યું હતું. જો કે જેમાં તેણીએ ગળાફાસો ખાઈ જીવ દીધો હોવાનું સામે આવ્યું છે. પોતાની પુત્રીને સાસરિયાઓએ મરવા મજબુર કરી હોવાના આરોપ સાથે તેણીના પિતાએ સાસરિયાઓ સામે ફરીયાદ નોંધાવી છે.
લાલપુર તાલુકા મથકથી ૧૫ કિમી દુર આવેલ ટેભડા ગામે આ ઘટના ઘટી છે. જેની વિગત મુજબ, ગત તા.૦૫/૦૭/૨૦૨૩ના રોજ સાંજે પોતાના ઘરે એકવીસ વર્ષીય પુજાબેન પ્રવિણભાઈ દેવાભાઈ રાઠોડ નામની મહિલાએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેને લઈને તેણીના પતિ સહિતના સાસરિયાઓએ તેણીના સણોસરા ગામે રહેતા તેના પિયરને જાણ કરી હતી.દરમિયાન ટેભડા ગામે તેણીની દફનવિધિ કરવામાં આવી હતી. આ બનાવના બીજા દિવસે તેણીના પિતા ચનાભાઇ ગોવિંદભાઇ વાઘેલાએ પોલીસમાં અરજી કરી પોતાની પુત્રીના મૃત્યુ અંગે શંકા દર્શાવી પીએમ કરાવવાની માંગણી કરી હતી. જેને લઈને પ્રાંત અધિકારીની હાજરીમાં તેણીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અને તેણીના દેહને જામનગર ખસેડી મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં પીએમ કરાવવામાં આવ્યુ હતું.
ત્યારબાદ જામનગર ખાતે તેણીની અંતિમ વિધિ કરવામાં આવી હતી. પોતાની પુત્રીને સાસરિયાઓએ ત્રાસ ગુજારી મરી જવા મજબુર કરી હોવાની તેણીના પિતાએ લાલપુર પોલીસ દફતરના ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીના પતી પ્રવીણભાઇ દેવાભાઇ રાઠોડ તથા સસરા દેવાભાઇ વેજાભાઇ રાઠોડ તથા દયાબેન વેજાભાઇ રાઠોડ તથા પાયલબેન દેવાભાઇ રાઠોડ રહે બધા ટેભડા ગામ તા.લાલપુર જી.જામનગર વાળાઓ સામે આરોપ લગાવ્યા છે.
આ બનાવની સૌથી મોટી કરુણતા એ છે કે ૨૧ વર્ષીય પરિણીતાના આપઘાત બાદ તેણીનો માત્ર સાત માસની ઉમર ધરાવતો પુત્ર માતાની ગોદ, વ્હાલ વિહોણો બન્યો છે. ફરિયાદીને બે પુત્રીઓ હતી જેમાં બે વર્ષ પૂર્વે નાની પુત્રીના લગ્ન સસોસરા ગામે કરાવ્યા હતા.