જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાંથી બે સગી બહેનોના એકી સાથે અપહરણ થઈ ગયા ની ઘટના સામે આવતાં ભારે દોડધામ થઈ છે. મેઘપર પોલીસ મથકમાં બંને બહેનોના અપહરણ અંગે ગુનો નોંધાયો છે, અને પોલીસ બંનેને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના મોડપર ગામમાં રહેતા અને ખેતી કામના વ્યવસાય સાથે જોડાયેલા એક પરિવારની અઢાર વર્ષની એક પુત્રી જ્યારે તેની સગીર વયની નાની બહેન કે જે બંને ગત ૬ તારીખના સાંજના સમયે પોતાના ઘેરથી એક એક લાપતા બની ગઈ છે, અને બંનેના અપહરણ થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
પરિવારજનો દ્વારા અનેક સ્થળો પર શોધ ખોળ કર્યા પછી પણ બંને નો કોઈ પત્તો સાંપડ્યો ન હોવાથી બંને બહેનોના ભાઈ દ્વારા મેઘપર પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે અપહરણ નો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
બંને બહેનો પૈકીની મોટી બહેન કે જે પોતાની પાસે મોબાઇલ ધરાવતી હતી, પરંતુ તેણીનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવે છે. પોલીસે તે મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ કઢાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને લઈને મોડપર ગામમાં ભારે ચકચાર જાગી છે.